ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં સાત ડેપ્યુટી કલેકટરની બદલી

ખંભાળિયા અને જામનગરમાં નવા જી.એ.એસ. અધિકારી મુકાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ગુજરાતના મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટરની સામુહિક બદલીઓ તથા જી.એ.એસ. કક્ષાના અધિકારીઓની નિમણૂકના ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના 134 અધિકારીઓની વ્યાપક પ્રમાણમાં સામૂહિક બદલી સાથે 33 જી.એ.એસ. અધિકારીને જુદા-જુદા જિલ્લાઓમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ નવ અધિકારીઓ બદલાયા છે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ગતરાત્રીના કરવામાં આવેલા આ સામૂહિક ઓર્ડરોમાં જામનગર જિલ્લા પંચાયતના ડે. ડી.ડી.ઓ. ડો. પાર્થ કોટડીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયાના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાને જામનગર રૂરલ પ્રાંત તરીકે, જામનગર કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ભાર્ગવ ડાંગરને અમરેલીના પ્રાંત અધિકારી તરીકે, લાલપુરના પ્રાંત અધિકારી નિતીન સાવલીયાને નવસારીમાં સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટર તરીકે, ધ્રોલના પ્રાંત અધિકારી એચ.પી. જોશીને પોરબંદરના ચુંટણી અધિકારી તરીકે, મેંદરડાના પ્રાંત અધિકારી ડો. વિપુલકુમાર સાકરીયાને ધ્રોલના પ્રાંત અધિકારી તરીકે, જૂનાગઢના ડી.એસ.ઓ. એન.ડી. ગોવાણીને લાલપુરના પ્રાંત અધિકારી મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત 2019 ની બેચના જી.એ.એસ. અધિકારી કુ. ગ્રીષ્મા બી. રાઠવાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર કચેરી ખાતે ડે. કલેકટર તરીકે અને હરદીપ કે. આચાર્યને જામનગરના સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.