યાત્રાધામ બેટ દ્વારકામાં ચાર દિવસથી વીજ ધાંધિયા, લોકો બેહાલ

દરિયામાં મરીન કેબલ તૂટી જતા વીજળી ગુલ

મરીન કેબલ રીપેર કરવામાં વીજ તંત્રની ઢીલી નીતિને કારણે ભારે રોષ

બેટ યાત્રાધામના વેપારીઓ, ગૃહિણીઓ તેમજ પ્રવાસીઓની હાલત કફોડી

દ્વારકા : યાત્રાધામ બેટ દ્વારકામાં છેલ્લા ચારેક દિવસથી સિંગલ ફેઇઝ વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. દરિયામાં મરીન કેબલ તૂટી જતા બેટ દ્વારકામાં વીજ ધાંધિયા સર્જાયા છે. તેમાંય વિજતંત્ર દ્વારા મરીન કેબલ રિપેર કરવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ થતી હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વીજ ધાંધિયાના કારણે બેટ યાત્રાધામના વેપારીઓ, ગૃહિણીઓ તેમજ પ્રવાસીઓની હાલત કફોડી થઈ ગઈ છે.

બેટ દ્વારકા ભગવાન દ્વારીકાધીશનું રાણીવાસ હોવાથી ગુજરાત જ નહીં દેશમાંથી હજારો યાત્રાળુઓને બેટ દ્વારકામાં દર્શન કરવા અચુક આવે છે. આઝાદીના લાંબા સમય બાદ દરીયામાંથી વિજળીના દોરડા નાખી પાવર સપ્લાય આપવામાં આવી છે. પરંતુ એક યા બીજી રીતે વિજ વાયરોમાં ખામી સર્જાતા અહીના લોકો તથા બહાર લોકોને લાઇટના કારણે ઠંડા પીણા, આઇસ્ક્રીમ તો શુ ઠંડુ પાણી માટે પણ વલખા મારવા પડે છે. અહીના વેપારીઓ જણાવે છે કે, તેમનો વેપાર ફક્ત દર્શનાર્થીઓ પર આધારીત છે તેઓ પોતાનો ધંધો રોજગાર કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે.પરંતુ દિવસભર લાઇટના ધાંધીયાથી ધંધો ભાંગી જાય છે. જેથી આ લાઇટની ફરીયાદ તુરંત ઉકેલાઇ જાય તો અમો શાંતીથી ધંધો રોજગાર કરી શકીયે. અહી વેપારીઓ આઇસક્રીમ, માવા, મીઠાઈઓ લાવી રાખે છે, પરંતુ લાઇટ જવાની કોઇ માહીતી ન હોવાથી અને ગમે ત્યારે વિજળી ગુલ થવાથી આ તમામ ખાદ્ય પદાર્થો ખરાબ થઇ જાય છે.જેના કારણે વેપારીઓને આર્થીક નુકશાન વેઠવું પડે છે.

બેટ દ્વારકામાં વેપારીઓએ માલનો સ્ટોક રાખવો પડે છે. કારણ કે, તમામ માલ લેવા દરીયો પાર કરી માલ લેવા જવો પડે. દુધ, દહી, શાકભાજી કે અન્ય ખાદ્ય પદાર્થનો સ્ટોક કરતા હોય છે. પરંતુ લાઇટ જતા ખાદ્ય પદાર્થ ખરાબ થઈ જાય છે. ઠંડા પીણા તો શું ઠંડા પાણી માટે લોકો વલખા મારે છે. જ્યારે વીજ ધાંધિયા મામલે અધિકારીઓને પુછતા એવો જવાબ મળે છે કે, દરીયામાં વાયર તુટી ગયો છે. ટીમ આવ્યે રીપેર કરી લાઇટ આપશે. આવા બેજવાબદારીભર્યા જવાબથી લોકો અકળાઈ ગયા છે.

ઓખા બેટ કે જ્યાંથી લાઇટનું દોરડુ પાણીમાથી નાખવામાં આવેલુ છે. દરીયા અંદર સિગ્નેચર બ્રીઝનું કામ ચાલે છે, તેમના દ્વારા આ વીજ દોરડાને નુકસાન થયું છે. અને વિજ દોરડા બહાર કાઢતા તેમની સાથે ફસાયેલા બોટના આશરે પાંચસો કિલોના લંગર નીકળ્યા છે. માછીમારી બોટોને લંગારવા લોખંડના ભારી ભરખમ લંગરોને દરીયામાં નખાય છે, જે વિજ દોરડા પર પડતા આ વિજ દોરડા કપાઇ જાય છે. જેના હિસાબે લાઇટ બંધ થઈ જાય છે. વીજ વાયરો બહાર હોય તો તેને તુરંત રીપેર થઈ જાય પણ દરીયા અંદર આ વિજ દોરડાનો ફોલ્ટ શોધવામાં દિવસો નીકળી જાય છે. ચાર-ચાર દિવસથી લાઈટ ન હોવાના કારણે લોકો પરેશાન થઈ ગયા હોવ વહેલીતકે તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.