દ્વારકા નહિ દેખા તો કુછ નહિ દેખા ! દ્વારકા દર્શન માટે ડબલ ડેકર બસનું આગમન

દિવ્ય દ્વારકાના સહયોગથી દ્વારકા ટુરિઝમ વેગવંતુ બનશે

(રિશી રૂપરેલીયા)
દ્વારકા : સુપ્રસિદ્ધ યાત્રાધામની પ્રવાસન યશ કલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે. દિવ્ય દ્વારકા સંસ્થાના સહયોગથી આવનાર દિવસોમાં પ્રવાસીઓને ડબલ ડેકર બસમાં દ્વારકા અને આસપાસના વિસ્તારની સહેલગાહ કરવા મળશે. આ માટે ડબલ ડેકર બસ દ્વારકા આવી પહોંચી છે.

યાત્રાધામ દ્વારકા અને આસપાસના પ્રવાસ માટે ડબલ ડેકર બસની સુવિધા ટૂંક સમયમાં શરૂ થનાર છે. દેખો દ્વારકા બસ આજે દ્વારકા આવી પહોંચતા જ દિવ્ય દ્વારકા સંસ્થાના આગેવાનો, ભૂદેવો સહિત આગેવાનો દ્વારા આજે બસની પૂજન વિધિ કરવામાં આવી હતી.

આ ડબલ ડેકર બસ દ્વારા પ્રવાસીઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર જેવા સ્થળો પર આખો દિવસ ફરી શકશે. હાલમાં સરકારી મંજૂરીની કાર્યવાહીઓ બાકી હોય મંજૂરી મળ્યેથી દ્વારકાના રસ્તાઓ ઉપર અત્યાધુનિક ડબલ ડેકર બસ દોડશે.

ડબલ ડેકર બસને કારણે દ્વારકા આવતા પ્રવસીઓને નવો આનંદ મળશે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે હેતુસર દિવ્ય દ્વારકા સંસ્થાના સહયોગથી બસ ચલાવવામાં આવશે.