ભાણવડ ટ્રાફિક બ્રિગેડના છ વોર્ડન ઘરભેગા કરી દેવાયા

ટ્રાફિક નિયમનને બદલે નાગરિકો સાથે દાદાગીરી કરતા પાણીચું અપાયું

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ભાણવડ પોલીસ સ્ટેશન અંતર્ગત માનદ સેવા આપતાં ટ્રાફીક બ્રિગેડના છ વોર્ડનને જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજમાં બેદરકારી સહિત વિવિધ કારણોસર પાણીચું પકડાવી દેવાયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

દ્વારકા જિલ્લા ટ્રાફીક એજયુ. ટ્રસ્ટ (સુચિત) દ્વારા જિલ્લામાં ટ્રાફીકના સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવેલ જે પૈકીના ભાણવડ પોલીસ સ્ટેશન અંતર્ગત ટ્રાફીક બ્રીગેડના માનદ સેવક તરીકે કામ કરતા વિશાલ રસીકભાઈ સોનગરા, સમીર ઇશાકભાઈ હિંગોરા, સિરાજ નુરમામદભાઈ હિોરા, અખ્તરહુશેન મામદભાઈ હિંગોરા, જાબીરહુશેના નુરમામદભાઈ હિંગોરા તથા ફિરોજ આમદભાઈ હિંગોરા નામના ટ્રાફીક બ્રિગેડના છ માનદ સેવકો વિરૂધ્ધ ફરજમાં બેદરકારી દાખવવાના વિવિધ કારણોસર જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી દ્વારા જાહેરહિતમાં છએ ટ્રાફિક વોર્ડનને ટ્રાફીક શાખામાંથી પાણીચું પકડાવી છુટ્ટી કરી દેવાયા છે.

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા દ્વારા બરતરફ કરાયેલ તમામ માનદ કર્મચારીઓ માથાભારે સ્વભાવના હોવા અંગે સ્થાનીય લોકો તરફથી વ્યાપક ફરીયાદો ઉઠી હતી. તેમજ ભાણવડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ ટી.આર. બી. કર્મચારીઓને બદલવા રજૂઆતો કરાઈ હતી.એકંદરે લોકો પોલીસથી ડરતા હોય છે. જેથી પોલીસ અને પ્રજા વચ્ચે અંતર થઈ જાય છે. જો કે, આ છ વોર્ડને પોતાની ભુલ સુધારી લેવાની ખાત્રી આપી હતી. પરંતુ પ્રજાને ધમકાવી, ડરાવાના કાર્યને કદાપી માફ ન કરી શકાય, અને આ બરતરફીથી અન્ય લોકોને પણ શીખ મલે,તેથી આ કડક પગલું પોલીસે ઉઠાવતા સ્થાનિક લોકોએ જિલ્લા પોલીસ વડાની કામગીરીને બિરદાવી હતી