યાત્રાધામ દ્વારકામાં વૈકલ્પિક વ્યવસ્થા વગર જ જાહેર યુરિનલ રાતોરાત તોડી પડાતા વેપારી – નાગરિકો પરેશાન

પાલિકા દ્વારા જાહેર મુતરડી તોડવાનું કોઈ ઠોસ કારણ બતાવ્યા વગર જ બુકડો બોલાવી દેવાયો

(રિશી રૂપરેલીયા)દ્વારકા : દ્વારકા શહેરની ભરચક્ક બજારો અને પોશ વિસ્તારોમાં આવેલ જાહેર યુરિનલ કોઈપણ જાતના કારણો વિના દ્વારકા નગરપાલિકા દ્વારા રાતો રાત તોડી પાડવામાં આવતા પ્રવાસી નાગરિકો, સ્થાનીક વેપારીઓ તથા લોકોમાં ભારે વિરોધ સાથે રોષની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા નગર પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતના કારણો વિના શહેરના શાકમાર્કેટ ચોક, તીનબતી ચોક, શિવરાજસિંહ રોડ, ભથાણ ચોક જેવા ભરચકક વિસ્તારોમાં આવેલી જાહેર મુતરડીઓ તોડી પડાતા શહેરના વિવિધ વેપારી સંગઠનો દ્વારા વિરોધ વ્યકત કરેલ છે. જાહેર મુતરડીઓ તોડી પડાતા સ્થાનીક લોકો, વેપારીઓ તથા બહારથી પધારતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડે અને નાછુટકે લોકોને જાહેરમાં શૌચક્રિયા કરવા માટે જવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. જેના કારણે રસ્તા પરથી પસારથી મહિલાઓ ભારે ક્ષોભ અનુભવે છે.

પાલિકા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કર્યા વિના જાહેર મુતરડીઓ તોડી પડાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાહેર મુતરડીઓ તોડી પાડવા અંગે પાલિકા સૂત્રોમાંથી કોઈ ઠોસ કારણ દર્શાવવામાં આવેલ નથી. આવી જાહેર જગ્યાઓ ખુલ્લી કરાયા બાદ હવે તેનો શુ ઉપયોગ પ્રશાસન દ્વારા કરવામાં આવશે તે તો આવનારો સમય કહેશે પરંતુ હાલ તો યાત્રાળુઓથી ઉભરાતા દ્વારકામાં વધુ એક અસુવિધા ઉભી થઇ છે.