સલાયા પશુ ડોકટર ઘેર હાજર ! ગૌ સેવકો દ્વારા ઢોલ વગાડી તંત્રને ઢંઢોળ્યું

પશુ ડોકટર નિયમિત હાજર નહિ રહે તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ગૌ સેવકોની ચીમકી

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : સલાયા અને આજુબાજુના પાંચથી છ જેટલા ગામો વચ્ચે એક માત્ર પશુ દવાખાનું આવેલ છે પરંતુ પશુ ડોક્ટર ફરજ ઉપર હાજર રહેવાને બદલે ઘેર હાજર રહેતા હોય સલાયાના ગૌ સેવકો દ્વારા ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. આવનાર દિવસોમાં જો પશુ ડોક્ટર નિયમિત હાજર નહીં રહે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

સલાયામાં અંદાજે 1500 થી 2000 હજાર જેટલા પશુઓ છે. જેમાં ગાય,બળદ,ભેંસ,બકરીઓ છે.તથા આજુબાજુમાં આવેલ કુબેર વિસોત્રી,સોડાસલા, ગોઇંજ, બારા વગેરે ખેડૂતોની વસ્તી ધરાવતા ગામના લોકો પણ પોતાના પશુઓને સારવાર અર્થે સલાયા લાવે છે. પરંતુ અહી પશુ ડોકટર હાજર રહેતા ના હોઈ જેનો ભોગ બીમાર લાચાર પશુઓ બને છે.

અહીંના પશુ દવાખાનામાં અઠવાડિયામાં એક જ દિવસ ડોકટર માત્ર બે કલાક હાજર રહે છે. જેથી વધુ બીમાર પશુઓનું સારવારના અભાવે મરણ થાય છે. આ અગાઉ પણ જિલ્લા પંચાયતમાં રૂબરૂ ગૌભક્તોએ લેખિત રજૂઆતો કરેલી હોઈ છતાં પણ પશુ ડોકટર કાયમી હાજરી આપતા નથી જેથી સલાયાના ગૌ સેવકો તેમજ જુદી જુદી ગૌ સેવા કરતી સંસ્થાના કાર્યકરો દ્વારા ઢોલ વગાડી અને તંત્રને જગાડવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ આવનારા દિવસોમાં જો પશુ ડોકટર રોજ હાજર રહેશે નહિ તો ઉગ્ર આંદોલન ગૌ સેવકો દ્વારા ચીમકી પણ આપેલ હતી.