ખંભાળિયા નગરપાલિકાની કારોબારી કમિટીની બેઠક યોજાઈ

વિવિધ ઠરાવ પર મંજૂરીની મહોર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાની કારોબારી કમિટિની બેઠક કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી વર્ષે 2022-23 અંદાજપત્ર સહિતના વિવિધ ઠરાવોને મંજૂર રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નગરપાલિકાનું રૂપિયા 2.31 કરોડનું પુરાંત લક્ષી અને કરવેરા કે ભાડા વધારા વગરનું બજેટ એકાઉન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જે મંજૂર કરાયું હતું. આ બજેટ મંગળવારની સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે.

આ ઉપરાંત નગરપાલિકામાં ઉપજ-ખર્ચના હિસાબો મંજુર કરવા, કોન્ટ્રાકટરને કામોની મુદત વધારી આપવા, સદસ્યોની રજૂઆત મુજબના કામો કરવા, નગરપાલિકા સંચાલિત શેઠ દા.સુ. ગર્લ્સ હાઈસ્કુલના શિક્ષકોને કાયમી કરવા, પડતર બિલોનો નિકાલ કરવા, સિનિયોરીટી રજીસ્ટર બનાવવા, ભાડાપટ્ટાની જમીન-મકાનનું ભાડું વસૂલવા, ટાઉન હોલ ભાડે આપવા, શહેરના રામનાથથી રામનગર વિસ્તારની શાળા સુધી સ્ટ્રીટ લાઇટો નાખવાના ઠરાવ પણ મંજૂર થયા હતા.

આ બેઠકમાં પાલિકાના કારોબારી સદસ્યો સાથે ચીફ ઓફિસર સતિષ પટેલ, રાજુભાઈ વ્યાસ, વિગેરે જોડાયા હતા.