ધોલેરાની સગીરાને ભગાડી દ્વારકામાં રહેતો અમરેલી જિલ્લાનો યુવાન ઝડપાયો

દેવભૂમિ દ્વારકામાં ફ્લેટ ભાડે આપનાર ફ્લેટ માલિક વિરુદ્ધ પણ એસઓજીએ ગુન્હો નોંધાવ્યો

(રિશી રૂપારેલીયા)દ્વારકા : અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી દ્વારકામાં ફ્લેટ ભાડે રાખી રહેતા અમરેલી જિલ્લાના યુવાનને પોલીસે ઝડપી લેવાની સાથે ફ્લેટ ભાડે આપનાર ફ્લેટ માલિક વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલીંગમાં રહેલ એસઓજી ટીમના કામગીરી કરવા જણાવેલ હોય એ.એસ.આઈ.અશોકભાઈ રાણાભાઈ સવાણી તથા જીવાભાઈ કરણાભાઈ ગોજીયા દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે, દ્વારકાની જલારામ સોસાયટીમાં જલારામ બાપાના મંદિરની પાછળ આવેલ જલારામ એપાર્ટમેન્ટ નં.204માં કોઈ અજાણ્યા ઈસમને ભાડે આપેલ છે અને ભાડે આપ્યા અંગેની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ નથી જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ તપાસ કરી હતી.

એસઓજી ટીમની તપાસમાં મકાન ભાડે રાખી દરજી કામ કરતા હસમુખભાઈ દલપતભાઈ પ્રજાપતિ, કુંભાર ઉ.27 રહે.શેખ પીપળીયા ગામ, પ્લોટ વિસ્તાર, ચાવંડ તા.લાઠી જી.અમરેલી વાળો હોવાનું જણાવેલ અને પુછપરછ કરતા તેમની સાથે એક સ્ત્રી હોવાનું જણાયેલ અને બંન્નેની ઉંમર તથા મજકુર ઈસમના હાવભાવ શંકાસ્પદ જણાતા બન્નેની પુછપરછ કરતા તેઓ વચ્ચે પ્રેમ સબંધ હોય જેથી દિકરીની ઉંમર નાની હોય અને તેના ઘરેથી કોઈને જાણ કર્યાં વગર જ ભગાડી લઈને આવેલ હોવાનું જણાતા તુર્તજ મહિલા પોલીસ કોન્સટેબલની મદદમાં લઈ બંન્નેને હસ્તગત કરેલ અને દ્વારકા પોલીસ સ્ટેશન લઈ આવી આગળની કાર્યવાહી કરતા ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધમાં ધોલેરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ પોકસો એક્ટ ૧૮ મુજબનો ગુન્હો નોંધાયેલ હોવાની જાણ થતા પોલીસ ઈન્સ.શ્રી જે.એમ.પટેલ ધંધુકા સર્કલ પોલીસ ઈન્સપેકટરનો સંપર્ક કરી ઉપરોક્ત આરોપી તથા ભોગ બનનાર સગીરવયની દિકરીનો કબ્જો સોંપી આપેલ હતો.

વધુમાં ફ્લેટ ભાડે આપનાર મકાન માલીક ચીરાગભાઇ મોહનભાઇ બારાઇ, રહે-દ્વારકા, જલારામ સોસાયટી, જલારામ આવાસની બાજુમાં, દ્વારકાવાળાએ મકાન ભાડે આપ્યા અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ ન કરેલ હોય જેથી તેમના વિરૂધ્ધ પણ આઈપીસી કલમ-૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સફળ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે.એમ.પટેલ, પીએસઆઇ પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. અશોકભાઈ આર.સવાણી, જિવાભાઈ કે.ગોજીયા, હરદેવસિંહ જી.જાડેજા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઈ પી.માડમ તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ ઉર્વીષાબહેન એમ.ખરાડી વગેરેએ કરી હતી.