ખંભાળિયા નગરપાલિકાની મંગળવારે સામાન્ય સભા યોજાશે

બજેટ સહિતના વિવિધ મુદ્દાઓ એજન્ડામાં લેવાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાની આગામી સામાન્ય સભા મંગળવાર તારીખ 8 ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર વાગે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી છે. પાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી વર્ષ 2022-23 નું બજેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકાની ગત સામાન્ય સભાને બહાલી તથા પાલિકાના ફિક્સ તથા રોજમદાર કર્મચારીઓના છેલ્લા 11 વર્ષથી ભરવાના બાકી પી.એફ.ની રકમ ભરપાઈ કરવાના મહત્વના મુદ્દાને એજન્ડામાં લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત સેનિટેશન શાખાના રોજમદાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા, જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધીન જોગવાઈ ગ્રાન્ટના રૂપિયા 25 લાખના કામો નક્કી કરવા, 15 મા નાણાપંચની યોજના વર્ષ 2020-21 હેઠળ રૂપિયા 55.55 લાખના કામો નક્કી કરવા, નગરપાલિકાના ટાઉન હોલમાં ફર્નિચર, લાઈટ ફીટીંગ તથા ફાયરનું કામ કરવા, યોગ કેન્દ્ર ખાતે ઉપરના માળે મહિલાઓ માટે જીમ બનાવવા, શહેરમાં જુદી જુદી જગ્યાએ પ્રતિમાઓ મુકવા, ડમ્પ સાઇટ ખાતે પડેલા વર્ષોજૂના કચરાનો નિકાલ કરવા, ઘી ડેમ વોટર વર્કસ પર આવેલા લેક્સ ડેવલપ કરવા, સહિતના કુલ 19 મુદ્દાઓ આ બેઠકના એજન્ડામાં લેવામાં આવ્યા છે.