ખંભાળિયા નગરપાલિકાનું 2.31 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર

જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા 22 જેટલા ઠરાવો પર મંજૂરીની મહોર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાની બજેટના મુખ્ય એજન્ડા સાથેની સામાન્ય સભા આજરોજ સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજાઈ હતી. નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના 19 ઠરાવ ઉપરાંત પ્રમુખ સ્થાનેથી વઘુ ત્રણ મળી, કુલ 22 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાની આજરોજ સાંજે ચાર વાગ્યે યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકાના એકાઉન્ટ દ્વારા આગામી વર્ષ 2022-23 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કોઈપણ જાતના નવા કરવેરા વગરના આ બજેટમાં 63.65 કરોડની આવક સામે 61.34 કરોડના ખર્ચ અંતે 2.31 કરોડની પુરાંત દર્શાવતું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા જાહેર આરોગ્ય, વોટર વર્ક્સ, જાહેર બાંધકામ, એડમિનિસ્ટ્રેશન, રોડ રસ્તા ઉપરાંત ઉત્સવો અને સમારંભો તથા સેનીટેશનમાં આ રકમ ખર્ચ કરવાનું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.

ખંભાળિયા નગરપાલિકાના ફિક્સ તથા રોજમદાર કર્મચારીઓના ઈ.પી.એફ.ની વર્ષ 2011 થી ચૂકવવાની બાકી રહેતી મોટી રકમની ભરપાઈ કરવા, વિવિધ યોજનાઓના સાંપડેલા રૂ. 80 લાખના વિકાસ કામો કરવા, સેનીટેશન વિભાગના કર્મચારીઓના પગારમાં વધારો કરવા, યોગ કેન્દ્ર ખાતે મહિલાઓ માટે જીમ બનાવવા, સુખનાથ મહાદેવ મંદિર નજીક ગૌવાળો બનાવવા, પાલિકા સંચાલિત ટાઉન હોલમાં ફર્નિચર સહિતની ખૂટતી સુવિધા વધારવા, શહેરમાં વેડફાતા પાણી અંગે જરૂરી પગલાં લેવા સહિતના મુદ્દાઓને આ બેઠકમાં મંજૂરી સાંપડી છે.

આ ઉપરાંત પ્રમુખસ્થાનેથી ઈ- નગર, ટેકસ સહિતના ત્રણ ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેને પણ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા.

આજની આ જનરલ બોર્ડમાં દિવંગત સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને સ્વ. પૂ. કાશ્મીરી બાપુને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

28 પૈકી ભાજપના 26 સભ્ય ધરાવતી ખંભાળિયા નગરપાલિકાની આજની આ સમાન્ય સભામાં 27 સભ્યો હાજર રહ્યા હતા. ભાજપના એક સભ્યનો રજા રીપોર્ટ આવ્યો હતો. પાલિકાના ઇન્ચાર્જ ચિફ ઓફિસર જયમલ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં સમગ્ર મીટીંગનું સંચાલન પાલિકાના સિનિયર કર્મચારી અને કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસએ કર્યુ હતું.