રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વેબીનાર યોજાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા :
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના એકઝીક્યુટીવ ચેરમેન ન્યાયમૂર્તિ યુ.યુ. લલિત (જજ, સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા) ના માર્ગદર્શન તથા દિશા સૂચન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મફત અને સક્ષમ રીતે વિવિધ કાનૂની સેવાઓ પુરી પાડવામાં આવે છે.જે અંતર્ગત વેબીનાર યોજવામાં આવ્યો હતો.

જે પૈકી પક્ષકારોને અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા તો, તેઓ પર કેસ થયેલ હોય અને બચાવ માટે જરૂર હોય તો કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમની કલમ-12 હેઠળ આવતી તમામ વ્યક્તિઓને મફત લીગલ એઇડ એડવોકેટની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. તે માટે તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતીઓ આવા લીગલ એડવોકેટની પેનલ નિભાવતી હોય છે, અને આ પેનલ એડવોકેટની કાર્ય ક્ષમતામાં વધારો થાય તે હેતુથી અવાર નવાર તાલિમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

હાલમાં કોવિડ કેસોનો વધુ પ્રમાણમાં ફેલાવો થયો હોવાથી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજયમાં આવેલા કાનૂની સેવા સત્તામંડળો તથા સમિતિઓ સાથે જોડાયેલા લીગલ એઇડ એડવોકેટો માટે તાજેતરમાં ઓન લાઈન માધ્યમ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સમગ્ર રાજયમાંથી 165 પેનલ એડવોકેટસ ધ્વારા ભાગ લેવામાં આવેલ હતો.

આ વેબિનારમાં ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર (ચીફ જસ્ટીસ, ગુજરાત હાઇકોર્ટ) તેમજ પેટ્રન-ઈન-ચીફ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ તથા ન્યાયમૂર્તિ આર. એમ. છાયા (જજ, હાઈકોર્ટ ઓફ્ ગુજરાત) અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના એકઝીક્યુટીવ ચેરમેન હાજર રહ્યા હતા.

જેમાં બંને ન્યાયમૂર્તિશ્રીઓ ઘ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી જે.એમ. પંચાલ દ્વારા સેશન્સ ટ્રાયલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જરૂરી હોય તેવી બારીકાઈઓ વિશે છણાવટ કરવામાં આવી હતી. તેઓએ રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપી હતી. તેમની સેવાઓને પણ બિરદાવવામાં આવી હતી.