ખંભાળિયામાં શનિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા :
ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ 12 ના રોજ અત્રે જામનગર હાઈવે પર આવેલી લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે યુ.કે. નિવાસી રીનાબેન તથા શરમિલ ભાઈ મશરૂના પુત્ર શિવયાનના જન્મદિવસની ઉજવણી પ્રસંગે લેસ્ટર (યુ.કે.) નિવાસી આશાબેન તથા રમેશભાઈ પાબારીના સંપૂર્ણ આર્થિક સહયોગથી વિનામૂલ્યે આંખના નિદાન સારવાર, દવા વિતરણ તથા સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે નવથી બાર વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કેમ્પમાં આંખના નિષ્ણાત ડો. વિવેકભાઈ પરમાર દ્વારા દર્દીઓને તપાસી, નિદાન કરીને સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને બદીયાણી હોસ્પિટલ ખાતે જ ક્રમશઃ ઓપરેશન કરી, નેત્રમણી આરોપણ પણ કરી આપવામાં આવશે.

આ કેમ્પનો વિશાળ પ્રમાણમાં લાભ લેવા જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પમાં લંડન સ્થિત દાતા રમેશભાઈ પાબારી ખાસ ઉપસ્થિત રહેશે. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઈ ચાવડા, નાથાલાલભાઈ બદીયાણી, મનુભાઈ પાબારી, વિમલભાઈ સાયાણી તથા સુભાષભાઈ બારોટ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.