દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિ મૂક્તિ અઠવાડીયાનો પ્રારંભ

બાળકોને કૃમિનાશક દવાઓનું વિતરણ કરાશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : બાળકોને કૃમિના ચેપથી બચાવવા અને 1 થી 19 વર્ષ સુધીના બાળકોમાં સ્વાસ્થ્ય ઉપર લોહીની ઉણપ, પાંડુરોગ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી અને વજનમાં સતત ઘટાડા જેવી સમસ્યાઓના નિવારણ માટે રાજ્યભરમાં 17 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય કૃમિ મુક્તિ અઠવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહયોગથી કૃમિનાશક દવા બાળકોને નિઃશુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવી છે.

1 થી 5 વર્ષના બાળકોને આ કૃમિ નાશક દવા( આલ્બેન્ડાઝોલની ગોળી)નો એક ડોઝ આંગણવાડી કેન્દ્રો ખાતે જ્યારે 6 થી 19 વર્ષના બાળકોને શાળા મારફતે વિતરણ કરવામાં આવશે. આ કૃમિનાશક (આલ્બેન્ડાઝોલ) દવાઓ બાળકો માટે સુરક્ષિત છે.

આ કૃમિનાશક દવાઓથી બાળકોમાં લોહીની ઉણપ, પોષણ સ્તર, ગ્રહણ શક્તિ, કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આ દવાઓ સાથે કૃમિથી બચવા માટે નખ નાના અને સાફ રાખવા, પીવાનું ચોખ્ખું પાણી, પોષણ યુક્ત આહાર, ઘરની આજુ-બાજુ સ્વચ્છતા અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ-પગ ધોવા જેવી કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

આ અંગે વધુ માહિતી માટે સબંધિત વિસ્તારના આંગણવાડી કાર્યકર, આશાબહેન, આરોગ્ય ક્ષેત્રીય કર્મચારીઓનો સંપર્ક કરવાનો રહેશે તેમ દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાની એક યાદીમાં જણાવાયું છે.