ખંભાળિયામાં બ્રહ્મ સમાજ દ્વારા માસ્તર વસંત અમૃતની જન્મ જયંતી ઉજવાઇ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં બ્રહ્મ સમાજ મિત્ર મંડળ દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી ભક્ત વસંત અમૃતની 120 મી જન્મ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા માસ્તર વસંતે અંગ્રેજોની ખુશામતની કવિતા બનાવી, સ્વર બંધ કરવાના માટે ના પાડી દેતા અંગ્રેજોએ તેમને દેશવટો આપ્યો હતો. દેશ છોડવા બાબતનો સ્વીકાર કરવા છતાં પણ માસ્તર વસંતે ભારત માતાના ગુણગાનથી આગળ અંગ્રેજોની ખુશામત નહીં કરવા અડગ રહી, જીવન પર્યંતની આ સજા સ્વીકારી હતી.

આવા રાષ્ટ્રપ્રેમીની 120મી જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ ખંભાળિયામાં વક્તાઓ બાલુભાઈ જોષી, મહેન્દ્રભાઈ જોષી, શંકરભાઈ ઠાકર, નિવૃત આચાર્ય જે.કે. જોષી, નિર્મલાબેન ગોકાણી, વજુભાઈ વોરિયા દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

સંસ્મરણને યાદગાર બનાવવા મિત્ર મંડળ દ્વારા વિવિધ કેમ્પ તથા સહાય માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં દાયકાઓથી હિંદુ-મુસ્લિમના કોઈ ભેદભાવ વગર વિધવા બહેનોને સહાય આપતા નિવૃત્ત આચાર્ય જે.કે. જોશી દ્વારા સહાય આપવાનું જણાવ્યું હતું. લોકોનાને મૂંઝવતી સમસ્યાના માર્ગદર્શન માટે જ્યોતિષ કેમ્પ યોજવા ઉષાબેન બોડા દ્વારા તથા વિવિધ રોગના નિદાન માટે આયુર્વેદિક કેમ્પ યોજવા માટે રાજેશભાઈ દવે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મંત્રોચ્ચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમાં ભરતભાઈ શુક્લા, સુધીરભાઈ જોશી, ઉત્તમભાઈ શુક્લ, તથા સુરેશભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર સાથે માસ્ટરજીનું પૂજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે રોહિતભાઈ કીતા, રશ્મિનભાઈ કુવા, ધીમંતભાઈ સામનાણી, છાંયાબેન કુવા, સંગીતાબેન, કિરણબેન, ઈલાબેન વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.