દ્વારકા અને બેટ દ્વારકામાં ગુપ્ત નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી

(રીશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા તથા બેટ દ્વારકા તીર્થ ક્ષેત્રમાં મહા સુદ એકમથી મહા સુદ નોમ સુધી મહા નવરાત્રિ એટલે કે નવા વર્ષ ની શરૂઆત માં આવતી પેહલી એટલે કે ગુપ્ત નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકાનાં આશાપુરા માતાજી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, ભદ્રકાલી માતાજી મંદિર તેમજ બેટ દ્વારકામાં બિરાજતા હરસિદ્ધિ માતાજી મંદિરમાં ગુપ્ત નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રિમાં માતાજીનું વેદોક્ત તેમજ પુરાણોક્ત મંત્રો દ્વારા પૂજન, અર્ચન, અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ માતાજીના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી કરાવતા શણગારનાં દર્શનનો લાભ ભક્તોએ પ્રાપ્ત કર્યો હતો.

આ નવરાત્રિમાં વસંત પંચમી નિમિતે શિક્ષણ મેળવનારા બાળકોને સરસ્વતી પ્રસાદ સ્વરૂપે સુદ પાંચમને દિવસે નોટ તેમજ પેન આપવામાં આવ્યા તેમજ નોમને દિવસે કુંવારકા પૂજન તેમજ ભોજન કરાવવામાં આવ્યું હતું.

દ્વારકા માં તેમજ બેટ દ્વારકા માં આવેલા આ મંદિરોમાં બ્રાહ્મણ પરિવારો દ્વારા નિત્ય પૂજન અર્ચન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જગદંબા ભગવતીની આરાધના નવરાત્રી દરમિયાન કરવામાં આવતી હોય છે. આપણા ધર્મ કેલેન્ડર મુજબ આખા વર્ષ દરમિયાન ચાર નવરાત્રી ઓ આવે છે. જેમા મહા નવરાત્રી તથા અષાઢી નવરાત્રીએ ગુપ્ત નવરાત્રીઓ છે. જ્યારે ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રીએ બાહ્ય નવરાત્રીઓ છે. માં ભગવતીની પૂજા કરનારા જગદંબાના ભક્તો મોટે ભાગે આ ચારેય નવરાત્રી ઓનું વ્રત કરતા હોય છે. તેમ છતાં કોઈ માત્ર આસો નવરાત્રીનું જ વ્રત કરનાર પણ હોય શકે.

નવરાત્રીના સમયગાળા દરમિયાન ભગવતીનું વૈદોક્ત અને પુરાણૌક્ત મંત્રો દ્વારા પંચૌપચારી , સૌડસોપચારી તેમજ રાજૌપચારી વગેરે જેવા પુજન કરવામાં આવે છે. અને ત્યારબાદ મહાભોગ નૈવેધ્ય પ્રસાદ વગેરે ધરાવવા માં આવે છે. તેમજ રાત્રીના સમયગાળા દરમિયાન મહાઆરતી પણ કરવામાં આવે છે. મહા નવરાત્રીમાં વસંતપંચમી , ચૈત્ર નવરાત્રીમાં રામનવમી , અષાઢી નવરાત્રીમાં રથયાત્રા તેમજ આસો નવરાત્રીના તમામ નોરતા એ ઉત્સવો તરીકે ઊજવવા માં આવે છે. ભગવતીના ઉપાસકો પુરી શ્રધ્ધા પૂર્વક અને નિષ્ઠા પૂર્વક વ્રત, પુજન, અનુષ્ઠાન, જપ વગેરે કર્મો નવરાત્રી દરમિયાન કરે છે . એક માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે. કે જો કોઈ નવરાત્રીનું વ્રત એક વખત રહેવાની શરૂઆત કરે તો આજીવન પરયંત તે આ વ્રત છોડી શકે નહી. ઘણા ભગવતીના ઉપાસકો નવરાત્રી દરમિયાન જગદંબાનું ઘટ સ્થાપન પણ કરતા હોય છે. માટીનો ઘડો તેના પર માટીનું કોડીયું , શ્રીફળ , ચુંદળી તેમજ એ ઘડાની અંદર જળ અભિમંત્રીત કરી તેમના પર જવારાનું રોપણ કરી નવરાત્રી દરમિયાન તેમનું પુજન કરવામાં આવે છે. જેને ઘટ સ્થાપન કહેવાય છે. અને નોમ ને દિવસે હવન કરી પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ગુજરાતના કેટલાક મંદિરોમાં નોમ ને દિવસે અન્નકૂટ દર્શન પણ કરાવવામાં આવે છે. જ્યારે કેટલાક મંદિરો માં નૈવેધ્ય (નિવેદ)પણ કરવામાં આવે છે. જ્ગદંબાનું આ વ્રત ઈચ્છા પૂર્તિનું હોય મનોકામના પૂર્ણ કરાવનારું હોય તો દરેકે પોતાની શ્રધ્ધા અને આસ્થાથી આ વ્રત કરવું જોઈએ.