ઓખા ગાંધીનગરીમાં પરિવાર ન્યાજ જમવા ગયો અને તસ્કરો ચોરી કરી ગયા

સમૂહ લગ્ન માટે એકત્રિત કરેલ રૂપિયા 65 હજર રોકડા અને સોનાના દાગીના મળી 1.05 લાખની ચોરી

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : ઓખાના ગાંધીનગરી ભૂંગા ગોડાઉન સામે રહેતો પરિવાર ન્યાજ જમવા માટે બહાર જતા જ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સમૂહ લગ્ન માટે એકત્રિત કરેલ ફાળાની રકમ રૂપિયા 65 હજાર તેમજ સોનાના એક તોલા દાગીના ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઓખાના ગાંધીનગરી ભૂંગા ગોડાઉન સામે રહેતા અને સનેટરીનો ધંધો કરતા આરીફભાઈ હાજીભાઈ ચૌહાણે ઓખા મરીન પોલીસ મથકમાં તેમના રહેણાંક મકાનમાં ચોરી થવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરીફભાઈ અને તેમનો પરિવાર ઘડેચી હસનપીર દરગાહ ખાતે ન્યાજમાં જમવા ગયા હતા ત્યારે પાછળથી તેમના બંધ મકાનના તાળા તોડીને તસ્કરોએ તેમના સમાજ માટે એજ્યુકેશન અને સમૂહ શાદીના સેવા કાર્ય કરતા હોવાથી કબાટમાં રાખેલા ફાળાના રોકડા રૂપિયા 65 હજાર તથા તેમના પત્નીના એક તોલા જેટલા સોનાના દાગીના કિંમત રૂપિયા 40 હજાર મળી અજાણ્યા તસ્કરો રૂ.1,05,000ની માલમતા ચોરી ગયા હતા.

આરીફભાઈની ફરિયાદને આધારે ઓખા મરીન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આઈપીસી કલમ 380, 454 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.