ભાણવડ પંથકમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે ઝડપાયા

સિરીંજ, બાટલા, દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ભારતની પશ્ર્વિમી દરિયાઈ સીમાએ અને પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે નજીક આવેલ અતિ સંવેદનશીલ દરિયાઇ વિસ્તાર ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી સાબૂત રાખવા દેવભૂમિ એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત હાથ ધરવામાં આવેલા દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના રાણપર તથા ઢેબર ગામે અલગ અલગ બે વ્યક્તિઓ મેડીકલ પ્રેકટીસની માન્યતા ધરાવતી ડીગ્રી વગર ગેરકાયદેસર રીતેની મેડિકલ પ્રેક્ટીસ કરી અને પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી પોતે ડોક્ટર હોવાનુ જણાવી ખાનગી દવાખાનુ ચલાવતા હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા જિલ્લા આરોગ્ય અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

બાદમાં આરોગ્ય વિભાગના સંકલન સાથે તથા એમ.બી.બી.એસ. ડોકટરને સાથે રાખીને ભાણવડ તાલુકાના રાણપર ગામે મેઈન બજારમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની સામે ગેર કાયદેસર રીતેની મેડીકલ પ્રેકટીસ કરીને દવાખાનું ચલાવનાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપલીયા નગરના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના ગળુ ગામે સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહેશ રામદેભાઈ પીઠીયા (ઉ.વ. 36, ધંધો સી.એમ.એસ.એ.ડી.)ના દવાખાને દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરવા માટેની પોતાની પાસે ડીગ્રી ન હોય તેવી સારવાર આપવાના ઈન્જેકશન, દવાઓ, સારવારના સાધનો વિગેરે કુલ રૂપિયા 19,251 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભાણવડ તાલુકાના ઢેબર ગામે મસ્જીદની બાજુમાં ગેરકાયદેસર રીતેની મેડીકલ પ્રેકટીસ કરીને દવાખાનું ચલાવનાર ભાણવડના નગરનાકા – પાટાવાડ વિસ્તારમાં પીપડાશેરી ખાતે રહેતા અબ્દુલાભાઇ મુબારકભાઇ અજીજમીંયા શેખ (ઉ.વ. 27, ધંધો સી.એમ.એસ.ઇ.ડી.) ના દવાખાને દરોડો પાડવામાં આવતાં અહીં જે સારવાર કરવા માટેની પોતાની પાસે ડીગ્રી ન હોય તેવી સારવાર આપવાના ઈન્જેકશન, દવાઓ, સારવારના સાધનો વિગેરેનો કુલ રૂપિયા 15,163 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ બન્ને શખ્સો પોતે માન્યતા પ્રાપ્ત મેડીકલ પ્રેકટીશ માટેની ડીગ્રી ધરાવતા ન હોવા છતા પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી તેમજ દવાખાનુ ચલાવી દવાખાનામાં દવાની ટીકડીઓ (ટેબલેટ), બાટલા, સીરીંજ તથા સ્ટેથોસ્કોપ તથા બી.પી. માપવાનુ સાધન તથા મેડીકલ પ્રેક્ટીશને લગતો સામાન રાખી પોતે ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકે પ્રેકટીશ કરી, માનવ જિંદગી તથા શારીરીક સલામતીને જોખમમાં મુકાય તે રીતેની મેડીકલ પ્રેકટીસ કરતા હોવાથી આ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 336 તથા મેડીકલ પ્રેકટીસ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ માટે ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.