ખંભાળિયામાં પાલિકાના કોન્ટ્રાક્ટરોની અણઘડ બેદરકારીથી પાણીની લાઇનો બીજી વખત તૂટી

પાલિકા દ્વારા નોટિસ આપી, કડક કાર્યવાહી કરાઈ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકા અવાર-નવાર, યેન-કેન પ્રકારે ચર્ચા સાથે વિવાદમાં રહે છે. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા પ્રકારના કોન્ટ્રાક્ટ પર કામ કરવા સભ્યોની દરમીયાનગીરી તથા કથિત ભાગ-બટાઈ પણ જાણકારોમાં ટીકાસ્પદ બની રહેલ છે. ખંભાળિયા શહેરમાં હાલ વિવિધ પ્રકારના રસ્તાના તથા અન્ય કોન્ટ્રાક્ટના કામોના ટેન્ડર આપી દેવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નંબર સાતમાં આ પ્રકારનું એક કોન્ટ્રાક્ટરનું કામ ચાલી રહ્યું છે. જેમાં જે.સી.બી. મારફતે પાણીની લાઇનો બીજી વખત ક્ષતિગ્રસ્ત થતા લાખો લિટરના વેડફાટ સાથે પાણી વિતરણ સહિતની કામગીરીમાં વિક્ષેપ થયો હતો.

ખંભાળિયા શહેરમાં ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાંથી આરસીસી ડ્રેનેજ બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં આજથી આશરે દસેક દિવસ પહેલાં પાણીની લાઇનો જેસીબીના કારણે તૂટી હતી. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ પછી તાજેતરમાં જ વધુ એક વખત પાણીની લાઇનો તૂટી જતા આ પાઈપલાઈનમાંથી પાણીના ફુવારા ઉડયા હતા અને પાણીનો વેડફાટ થયો હતો. કોન્ટ્રાક્ટના કામ દરમિયાન પાણીની લાઈન તૂટવા અંગેની જાણ થતાં પાણી પુરવઠા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના રાજુભાઈ વ્યાસ તથા તેમની ટીમ ટેકનિશિયન સાથે આ સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરાવી અને પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

આ લાઈનો તૂટતાં શહેરનો અડધા જેટલો વિસ્તાર પાણી વગરનો રહે તેવી પરિસ્થિતિ નિર્માણ થનાર હતી. પરંતુ પાણી પુરવઠા તંત્રએ આ માટે તુરંત કામગીરી કરી અને રાત્રે જ પાણીની ઓવરહેડ ટેન્ક ભરીને કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર બીજા દિવસે પાણી વિતરણ કાર્ય રાબેતા મુજબ કરવાની વ્યવસ્થા કરાવી હતી. નગરપાલિકા તથા પાણી પુરવઠા તંત્રની આવકારદાયક કામગીરી વચ્ચે કોન્ટ્રાક્ટરોની બેદરકારીએ લોકોમાં રોષની લાગણી પ્રસરાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી આ લાઇનો તૂટી જતા આ અંગેના રીપેરીંગ ખર્ચ વસુલ કરવા સહિતની નોટિસ નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મંડળીને આપવામાં આવી છે.