પ્રાકૃતિક કૃષિ અપનાવી લાખો રૂપિયાની આવક મેળવતા સિધ્ધપુર ગામના ધરતીપુત્રો

મગફળી, ચણા, અજમો, રાય, તલ અને મગ જેવા પાકનું વાવેતર કરી વાર્ષિક 400 મણથી વધુ ઉત્પાદન સાથે આવક મેળવતા ખેડુત

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઋગ્વેદના શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ મા ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે. જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના સિધ્ધપુર ગામના વતની દિનેશભાઈ પરમાર નામના પ્રગતિશીલ ખેડૂતે ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી શરુ કરી છે.

સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા રાજકોટના ઉદ્યોગપતિ મનસુખભાઈ સુવાગીયા સાથે દિનેશભાઈના પિતા લાલજીભાઈની પંદરેક વર્ષ પહેલા મુલાકાત થઈ અને તે મુલાકાત તેમના માટે પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા બની જેના પરિણામે વર્ષ 2007થી જ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. બેચલર ઓફ એન્જિનિયરિંગ ઈન મિકેનિકલ સુધીનો અભ્યાસ કરી વધુ અભ્યાસ અર્થે વિવિધ કંપનીઓની મુલાકાત લેતા લાલાજીભાઈના 26 વર્ષીય પુત્ર દિનેશભાઈને પણ મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને તેમને माता भूमि, गोस्तु मात्रा न विदयते ! ને જીવન મંત્ર સ્વરૂપે સ્વીકારી પ્રાકૃતિક ખેતી અપનાવી એક નવા કૃષિ અધ્યાયનો પ્રારંભ કર્યો.

પ્રાકૃતિક કૃષિના વિચારો અપનાવી દિનેશભાઈએ પોતાની પાસે રહેલી દસ વિઘા જમીનમાં રાજ્ય સરકારના આત્મા અને બાગાયત વિભાગની ગાય આધારીત ખેતી માટેની યોજનાનો લાભ મેળવી પાંચ ગાયો અને મંડપ ઉપર વેલાવાળા શાકભાજી તથા સાધન સહાય અંતર્ગત સબસીડી મેળવી ટ્રેક્ટરની ખરીદી કરી વર્ષ 2017માં જ આરંભ્યો પ્રાકૃતિક કૃષિ યજ્ઞ.

દિનેશભાઈ જણાવે છે કે, તેઓ પોતાની જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, અજમો, રાય, તલ, મગ, કલોંજી, સુર્યમૂખીનું વાવેતર કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપરાંત દોઢ-બે કિ.ગ્રા. ગોળ અને તેટલો જ કઠોળના લોટ તથા દસેક કડવી વનસ્પિતના પાવડરનો ઉપયોગ કરીને જંતુનાશક દ્રાવણ બનાવી તેને પીયત સાથે મિશ્રણ કરે છે. જેના પરિણામે પાક રોગનો ભોગ બનતો નથી અને પાકમાં જીવાત પણ પડતી નથી. આમ, વર્ષ 2017થી તેઓ સતત વાર્ષિક રૂપિયા ચાર લાખથી વધુની આવક મેળવે છે અને અત્યાર સુધીમાં તેમને પ્રાકૃતિક ખેતી અપનાવી, છેલ્લા પંદર વર્ષમાં રૂપિયા 60 લાખથી વધુની આવક મેળવી છે.

ચાલુ વર્ષે દિનેશભાઈ 200 મણથી વધારે મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાંલમાં તેમના ખેતરમાં ત્રણ વિઘા જમીનમાં ચણા, ત્રણ વિઘામાં કલોંજી અને ત્રણ વિઘામાં અજમો અને એકાદ વિઘા જમીનમાં તેમણે સુર્યમૂખી અને રાયનું વાવેતર પણ કર્યું છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી તેઓ વિઘાદીઠ આશરે વીસ મણથી વધારે ચણા, 36 થી વધારે કલોંજી અને 30 મણથી વધારે અજમાનું ઉત્પાદન મળીને કુલ 400 મણથી વધુ વાર્ષિક ઉત્પાદન અને રૂ. સાડા ચાર લાખથી વધુની વાર્ષિક આવક મેળવશે. જ્યારે ચાલુ વર્ષે તેમને ખેતી પાછળ અંદાજીત એકાદ લાખ જેટલો ખર્ચ પણ થયો છે.

આ અંગે દિનેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી 74 ટકા ઉત્પાદીત મગફળીનું સિંગતેલ, 20 ટકા મગફળીના સિંગદાણાના પેકેટ અને 5 ટકા મગફળીમાંથી પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, અજમો અને રાયના પેકેટ બનાવી પોતાના નિશ્ચિત ગ્રાહકોને પોતાના ભાવે હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી.

દેશના ધરતીપુત્રોને સંદેશો આપતા દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ભારતીય કૃષિને વાતાવરણની સંભવિત પ્રતિકુળ પરિસ્થિતિથી બચાવવા માંગતા હોઈએ તો આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે. કૃત્રિમ રાસાયણિક ખાતર અને દવાઓની ઉપયોગીતામાંથી બહાર આવી પ્રાકૃતિક ઢબે ખેતી અપનાવી કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નાવિન્યતા લાવી ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી અન્ય ખેડુતોને પણ પ્રેરણા આપનાર દેવભૂમિના આ યુવાન ખેડુત દિનેશભાઈના પિતા લાલજીભાઈને વર્ષ 2007, 2008 અને વર્ષ 2013માં જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા એવોર્ડ, વર્ષ 2011માં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજન્સીનું પ્રમાણપત્ર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એનીમલ હસબન્ડ્રી, ઈનોવેશન ફાર્મર એવોર્ડ-2011 અને 2015 ના કૃષિ મહોત્સવમાં રાજ્યકક્ષાનો એવોર્ડ તથા વર્ષ 2814-15માં રાજ્યકક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આમ, નહીવત ખર્ચે બમણી આવક મેળવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર કૃષિ થકી આત્મનિર્ભર બની રહ્યા છે. રાજ્યના ખેડુતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નૈતૃત્વ હેઠળ ગુજરાત સરકારે જ્યારે ખેડુતો સાથે ખભેખભો મિલાવી તેમનું બવડું પકડીને બેઠા કરવાનો અપ્રતિમ પ્રયાસ સાથે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી વેગવંતી બનાવી પ્રાકૃતિક કૃષિથી ખેતી સમૃધ્ધિની દિશામાં પ્રયત્નશીલ છે. જેના પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર કૃષિની દિશામાં આગેકૂચ કરી રહ્યા છે.