ઓખામંડળના ક્ષત્રિય વાઘેર સમાજના લગ્ન પ્રસંગોમાં પરંપરાગત રાસની ધૂમ

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : ભારતનાં છેવાડે દેવભૂમિ દ્વારકામાં વસવાટ કરતો ક્ષત્રિય વાઘેર સમાજ તેની શૂરવિરતા, ખમીર અને પરંપરાઓ માટે જાણીતો છે. આ સમાજની નેકી ટેકી અને બહાદુરી સોનેરી ઈતિહાસનાં પાને કંડારાયેલી છે.ત્યારે આજે પણ લગ્ન પ્રસંગોમાં જોસ જુસ્સાથી ભરપૂર રાસ લેવામાં આવે છે.

ક્ષત્રિય વાઘેર સમાજના લગ્ન પ્રસંગોમાં અંગ્રેજો સામેની લડાઈ અને હિમ્મતભરી બહાદૂરીનાં ગીતો તેમજ રાસ આજે પણ લોકગીતો તરીકે ગવાય છે. જેમાં ક્ષત્રિય વાઘેર સમાજના યુવાનોથી લઈ વૃદ્ધો પણ પારંપરિક રાસ લે છે. પારંપરિક વેશભૂષા,ખાનપાન,સ્વભાવ તેમજ રહેણી કરણી અલગ જ મિજાજ ધરાવે છે.

ખાસ કરીને લગ્નવિધિ અને લગ્ન સમારોહ તેમજ ઉમંગ ખુશીનાં પ્રસંગે એક ખાસ પ્રકારનો રાસ રમાય છે, ડીજે ના તાલ વગર જ યુવા પુરૂષો દ્રારા માત્ર ઢોલ અને શરણાઈ પર લેવાતો આ રાસ કંઈક અલગ જ હોય છે. આ સમાજનાં લગ્ન પ્રસંગો મોટા ભાગે મહા મહિનામાં જ યોજાય છે અને આ લગ્ન પ્રસંગે ચોરણો ખમીસ અને હાથમાં રુમાલ લઈને રાસ રમતા વાઘેર યુવાનોમાં ગજબની સ્ફૂતિઁ જોવા મળે છે.