ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ રદ કરાતાં ખંભાળિયામાં વિરોઘ પ્રદર્શિત કરાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત્ રવિવાર 13 ફેબ્રુઆરીના રોજ યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી લેવામાં આવતાં સમગ્ર ગુજરાત રાજ્ય સાથે ખંભાળિયામાં પણ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા વઘુ એક વખત રદ કરી દેવામાં આવી હોવાથી ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સમગ્ર રાજ્યમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.2018 માં યોજાનાર આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી પણ ગુજરાતની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય તેમ છેલ્લા વર્ષોમાં અવાર-નવાર પરીક્ષાના પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ થઈ છે.

બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા. પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટના કારણે વઘુ એક વખત આ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવતા લાખો યુવાનો ફરી એક વખત નિરાશ અને હતાશ થયાના આક્ષેપો સાથે ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં આવ્યું છે.

આના અનુસંધાને શુક્રવારે સાંજે ખંભાળિયામાં ગુજરાત યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા યુવાનોના આક્રોશને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં થયેલી પરીક્ષા વહેલામાં વહેલી તકે યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ પરીક્ષાઓ વહેલી તકે યોજવામાં નહીં આવે અને આવી ઘટનાઓ ફરી બનશે તો ગુજરાત યુવક કોંગ્રેસ વઘુ ઉગ્ર લડત આપશે તેવો હુંકાર પણ કરવામાં આવ્યો હતો.