ખંભાળિયામાં લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવા નગરપાલિકા કટિબદ્ધ

રૂપિયા 80 લાખના ખર્ચે વ્યાયામ શાળા તથા સ્વિમિંગ પુલ બનશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેર જિલ્લા કક્ષાનું મથક હોવા છતાં કોઈપણ પ્રકારના નોંધપાત્ર વિકાસ કામો તથા સુવિધાઓ શહેરીજનોને પ્રાપ્ય નથી. આ મેણું ભાંગવા નગરપાલિકાની થોડા સમય પૂર્વે જ સત્તારૂઢ થયેલી બોડીએ વિકાસ કરવા વિવિધ પ્રકારના કાર્યો હાથ ઉપર લીધા છે. જેમાં આગામી સમયમાં શહેરમાં સ્વિમિંગ પુલ તથા વ્યાયામ શાળાની સુવિધા મળી રહે તે માટેના આયોજનો થયા છે.

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલા બગીચામાં પાસે વર્ષો જૂની અને બિસ્માર હાલતમાં વ્યાયામ શાળા તથા જર્જરિત કોમ્યુનિટી હોલ હતો. તેના પર નગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલ તથા આધુનિક વ્યાયામશાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

શહેરીજનોને આ મહત્વની સુવિધા મળી રહે તે માટે પાલિકા દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં આવેલા અખાડા તથા જુના કોમ્યુનિટી હોલને તોડીપાડીને આ જગ્યાને ખુલ્લી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળે વ્યાયામ શાળા (અખાડો) તથા તેની આગળ વિશાળ સ્વિમિંગ પુલ બનાવવા માટે રૂપિયા 80 લાખના ખર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની ચોક્કસ રકમની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતા આગામી સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે, તેમ પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.