સુરજકરાડી વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: નવ શખ્સો ઝબ્બે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. જી.આર. ગઢવીની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શનિવારે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા બરફના કારખાના પાસે રહેતા ઈશાક કાસમ માકોડા નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર પોલીસ દ્વારા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.

ઉપરોક્ત શખ્સ દ્વારા જુગારીઓને જરૂરી સાધન-સુવિધા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે ઈશાક કાસમ માકોડા (ઉ.વ. 50), જુસબ સુલેમાન જીવાણી (ઉ.વ. 42), આવેશ જમીલભાઈ બ્લોચ (ઉ.વ. 24), ઈરફાન જમીલભાઈ બ્લોચ (ઉ.વ. 28), પ્રશાંત કમળાશંકર વ્યાસ (ઉ.વ. 35), ફારુક દાદમામદ બ્લોચ (ઉ.વ. 40), જુમા આદમભાઈ બ્લોચ (ઉ.વ. 37), ફિરોજ ઈશાક ચંગડા (ઉ.વ. 33) અને ફૈઝલ ગુલમામદભાઈ બ્લોચ (ઉ.વ. 27) નામના કુલ નવ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

આ સ્થળેથી પોલીસે કુલ રૂપિયા 56,620 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી. આ કામગીરી મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવી, હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ વારોતરિયા, પરબતભાઈ કંડોરીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.