દ્વારકામાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસનો દરોડો: રૂ. 1.45 લાખના મુદ્દામાલ સાથે સાત ઝબ્બે

પીડબ્લ્યુડીના કવાટર્સમાં ધમધમતુ હતું જુગારધામ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના પીડબલ્યુડી વિસ્તારમાં એક મહિલા દ્વારા ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી, મહિલા સહિત કુલ સાતને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ દ્વારકા પંથકમાં જુગારની પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી કરવા માટે પી.આઈ. પી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના પી. ડબલ્યુ.ડી. ક્વાર્ટર નંબર 13 ખાતે નીતાબેન રાજેશભાઈ પરમાર નામના 50 વર્ષીય મહિલા દ્વારા તેમના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા નીતાબેન રાજેશભાઈ પરમાર, વિજયભાઈ ખીમજીભાઈ બથીયા, મનહરભાઈ જયંતીભાઈ બાંભણિયા, લલીતભાઈ ભગવાનજીભાઈ બારાઈ, ચંદ્રેશ શુકલભા વાઘેલા, રવાભા ભીમાભા માણેક અને લખમણભા ગગુભા માણેકને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ સાતેય શખ્સો પાસેથી કુલ રૂપિયા 38,220 રોકડા તથા રૂપિયા 6,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા એક લાખની કિંમતના બે મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે.

આમ, કુલ રૂપિયા 1,44,720 ના મુદ્દામાલ સાથે દ્વારકા પોલીસે સાતેયની અટકાયત કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવી, પી.એસ.આઈ. યુ.બી. અખેડ, હેડ કોન્સ. નરેશભાઈ ગોજીયા, કુલદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.