ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અનેકવિધ ધર્મ કાર્યક્રમો યોજાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સૃષ્ટિના સર્જનહાર અને ગુર્જર સુતાર જ્ઞાતિના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુના જયંતિ મહોત્સવની ખંભાળિયામાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાળિયાના ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ તથા 16 માં પાટોત્સવ નિમિત્તે અત્રે સ્ટેશન રોડ પર આવેલી જ્ઞાતિની વાડી “વિશ્વકર્મા બાગ” ખાતે આજરોજ સોમવારે વિવિધ કાર્યક્રમો સુંદર રીતે ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આજે સવારે મંગળા આરતી તથા પાટોત્સવ હવન, નૂતન ધ્વજારોહણ ઉપરાંત દાતાશ્રીઓને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત થાળ આરતી, 108 દિપની સંધ્યા આરતી ઉપરાંત જ્ઞાતિના દરેક પરિવારોને મહા પ્રસાદ વિતરણનું પણ સુવ્યવસ્થિત આયોજન થયું હતું. આ કાર્યક્રમના દાતા તરીકે ગં.સ્વ. નિર્મળાબેન મુળજીભાઈ વોરલીયા પરિવારના ધવલભાઈ તથા ફાલ્ગુનીબેન વોરલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જ્ઞાતિ દ્વારા દાતાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વકર્મા જયંતી મહોત્સવમાં ખંભાળિયા શહેર ઉપરાંત બહારગામના જ્ઞાતિજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર મહોત્સવના આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિના તમામ કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.