ખંભાળિયાના બેહ ગામે હેલ્થ અને વેલનેસ કેન્દ્ર ખાતે આંખના રોગ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેહ ગામે હેલ્થ એન્ડ વેલનેસ ખાતે આંખની જાળવણી તેમજ તેની સામાન્ય તકલીફોનું નિદાન કરવામાં આવે છે. જે અન્વયે બેહ ગામના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ખંભાળિયાની જાણીતી ક્રિષ્ના આઈ કેર હોસ્પિટલના ઓપથેલમોલોજીસ્ટ તબીબ ડો. નીરવ રાયમગિયા તથા તેમની ટીમ દ્વારા લાભાર્થીઓની આંખની વિવિધ બીમારીઓનું નિદાન કરી એમને જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત કેમ્પ દરમ્યાન ઉપસ્થિત લાભાર્થીઓને આંખની પર્સનલ હાઈજિન તથા કાળજી માટે માહિતી પણ આપવામાં આવી હતી.

આ કેમ્પ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધનાભાઈ કારીયા, અક્ષયભાઈ વાઢેર, કાજલબેન કણેત દ્વારા સફળતાપૂર્વક આયોજન કરી, કુલ 46 લાભાર્થીઓને આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો. તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. મેહુલ જેઠવાની યાદીમાં જણાવાયું છે.