ભાટિયામાં ભર શિયાળે પાણીની મોકાણ સર્જાઈ

25 – 25 દિવસથી પાણી ન મળતા મહિલાઓ દ્વારા પંચાયતમાં હોબાળો

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : જામ કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં ભર શિયાળે છેલ્લા 25 -25 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ દ્વારા ગ્રામપંચાયતમાં હોબાળો મચાવ્યો હતો.

ભાટીયા શહેરમાં છેલ્લા 25 – 25 દિવસથી પાણી વિતરણ ન થતા મહિલાઓ દ્વારા પંચાયતમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.પાણી પુરવઠા તેમજ ગ્રામપંચાયતની ખો-ખો ની રમતમાં નગરિકોની ખો નીકળી રહી હોય મહિલાઓએ આક્રમક સ્વરૂપ બતાવ્યું હતું.

બીજી તરફ સરકારની માનીતી એવી ફોરલેન હાઇવે બનાવતી જી.આર.ઇન્ફ્રા દ્વારા પાણીની લાઈનમાં ભંગાણ કરતા પાણીનું વિતરણ થયેલ ન હોવાનું બહાર આવ્યું છે અને
આજ થયેલ હોબાળા બાદ ભાટીયા ગ્રામપંચાયત દ્વારા તેના મશીન તેમજ કર્મચારીઓ દ્વારા લાઈનનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું.

હવે જોવાનું એ રહ્યું કે આ પીવાનું પાણી ભાટીયાના નાગરિકોના નળ સુધી કેટલા દિવસે પહોંચશે પ્રથમ દ્રષ્ટિએ જોઈએતો આ પ્રકરણમાં તો પાણી પુરવઠાની અણ આવડત જ નજરે ચડે છે. કોઈ કંપની પાઇપલાઇનમાં ભંગાણ કરે ને તેને સાંખી ન લેવાય તેની ઉપર અસરકારક કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કાર્યવાહી કરે કોણ ઘરના ભુવાને ઘરના જાગરિયા હોય ત્યાં આવુ જ થાય તેવું નાગરિકો જણાવી રહ્યા છે.