ભારે કરી ! દ્વારકાની સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટર સીલ

ફાયર એનઓસી ન હોવાથી બન્ને ઓપરેશન થિયેટર સીલ કરતી પાલિકા

(રિશી રૂપારેલીયા)
દ્વારકા : દ્વારકાની સરકારી હોસ્પિટલના બન્ને બિલ્ડિંગમાં આવેલા ઓપરેશન થિયેટરમાં ફાયર એનઓસી ન હોવાથી દ્વારકા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર ઉદય આશિત અને ફાયર સ્ટાફ સાથે રહી ઓપરેશન થિયેટરને સીલ કરી નાખતા દ્વારકા પંથકમાં ભારે ચકચાર જાગી છે.

દ્વારકા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર ઉદય આશિત દ્વારા ફાયર એનઓસી મામલે હાઇકોર્ટના દિશા નિર્દેશો મુજબ કડક પગલાં ભરવાની શરૂઆત કરી હોસ્પિટલ તથા સ્કુલમાં ફાયર સેફ્ટીનો અમલ થાય તે માટે દ્વારકા સીવીલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ફાયર એનઓસી વગરના હોય, તાત્કાલિક અસરથી સીલ કરી દેવાયા હતા.

જો કે બીજી તરફ છેલ્લા 15 દિવસથી દ્વારકા સિવિલ હોસ્પિટલની બંને બિલ્ડિંગમાં ફાયર સેફટીનું કામ ચાલુ હોવાનું ડોક્ટર વિપુલ ચંદારાણાએ જણાવી ટૂંક સમયમાં જ કામ પૂર્ણ કરવામાં આવનાર હોવાનુ ઉમેર્યુ હતું.

આ સંજોગોમાં પાલિકા દ્વારા સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલો અને હોટલોમાં પણ કડક હાથે કામગીરી કરવામાં આવે તો જ ફાયર સેફટી અંગે જાગૃતિ આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.