દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાઓની કઠણાઈ: છ પૈકી ત્રણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી

રાજ્યમાં ત્રણ મહિનામાં 72 સી.ઓ.ની બદલીઓના ઓર્ડર છતાં દ્વારકાની પ્રજાના નસીબ ન ખુલ્યા

(કુંજન રાડિયા)
ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાઓમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરનાથી ચાલતા વહીવટના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ છ નગરપાલિકાઓ પૈકી ત્રણ પાલિકામાં ચીફ ઓફિસર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ખંભાળિયા નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર પટેલની અઢી માસ જેટલા ટૂંકા ગાળામાં તાજેતરમાં બદલી થયા બાદ અહીં નવા કાયમી ચીફ ઓફિસર મૂકાયા નથી અને ઓખાના ચીફ ઓફિસરને ખંભાળિયા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેઓને ઓખાથી 120 કિલોમીટર દૂર ખંભાળિયાની જવાબદારી સોંપવામાં આવી છે. આ જ રીતે કલ્યાણપુર તાલુકાના જામરાવલ નગરપાલિકામાં તો લાંબા સમય પછી પાર્થવન ગોસ્વામીની ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેની બદલી પણ અઢી માસ પહેલાં થઈ જતા આ ખાલી જગ્યા પરનો ચાર્જ દ્વારકા ચીફ ઓફિસર સંભાળી રહ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકામાં પણ ચીફ ઓફિસર લાંબા સમયથી મૂકાયા નથી અને સલાયા પાલિકાનો ચાર્જ સિક્કાના ચીફ ઓફિસર મોઢવાડિયાને સોંપવામાં આવ્યો છે.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છ પૈકી પચાસ ટકા નગરપાલિકાઓમાં કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે. ગુજરાત રાજ્યનો શહેરી વિકાસ વિભાગ જાણે મહત્વના શહેરોના વિકાસ પ્રત્યે બેદરકાર હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિક વિકાસ કાર્યો તથા વહીવટમાં ભારે પરેશાની થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.