અંતે વિશ્વવિખ્યાત ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મંજૂરી મળી

સમસ્ત સાધુ સમાજ અને જૂનાગઢવાસીઓની માંગણીને ધ્યાને લઇ કલેક્ટરે કરી જાહેરાત

મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓની રચના, અત્યાર સુધીમાં આ વખતે સૌથી વધુ ભવ્ય મેળો યોજવાનો તંત્રનો દાવો

દ્વારકા : જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત જેની ઉપર નજર માંડીને બેઠું હતું એ વિશ્વવિખ્યાત જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળાને આખરે સતાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. માત્ર જૂનાગઢવાસી તેમજ સાધુ સમાજ જ નહીં બલ્કે પુરા ગુજરાતની લાગણી અને માગણીને ધ્યાને રાખી જૂનાગઢના કલેક્ટરે આજે ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજવાની જાહેરાત કરતા પુરા ગુજરાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

જૂનાગઢના ભવનાથમાં આદિ અનાદિ કાળથી પરમ અધ્યાત્મીક ભાવના સાથે પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીને પોરોણીક મેળાને છેલ્લા બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યા બાદ આ વખતે સ્થિતિ બહેતર હોવાથી સાધુ સમાજ તેમજ જૂનાગઢ સહિત ગુજરાતભરના લોકોમાં સરકાર આ વખતે ભવનાથનો મેળો યોજવાની છૂટ આપશે તેવી આશા બંધાય હતી. સરકારી મંજૂરી મળે એ પહેલાં જ જૂનાગઢ સમસ્ત સાધુ સમાજ તેમજ ધાર્મિક અને રાજકીય, સામાજિક સંગઠનોએ મેળા માટે આગોતરી તૈયારીઓ પણ કરી લીધી હતી.

ભવનાથમાં આ વખતે મહાશિવરાત્રીના મેળાને સરકાર મંજૂરી આપે એ માટે જૂનાગઢ સમસ્ત સાધુ સમાજ તેમજ ધાર્મિક અને રાજકીય, સામાજિક સંગઠનો, તેમજ ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. તેમજ જુનાગઢ કોર્પોરેશન તેમજ ભાજપના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરી હતી.ત્યારે આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મજુંરી આપી દેવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ વખતે ભવ્ય મેળો યોજાશે તેવી જાહેરાત કરી હતી તેમજ મેળાના આયોજન માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે અને દરેક યાત્રીકો માટે મેળા ખુલ્લો રહેશે. તમામ મુદાઓને લઈને કરવામાં આવી ચર્ચા આવી હતી. જેમાં સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજીક સંસ્થાઓ હાજર રહ્યા હતા.