ખંભાળિયા રઘુવંશી મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

વાસણ શણગાર તથા પાણીપુરી સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કૃત કરાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા શ્રી રઘુવંશી મહિલા મંડળના ઉપક્રમે તાજેતરમાં રઘુવંશી જ્ઞાતિના મહિલા માટે પાણીપુરી ખાવાની સ્પર્ધા સાથે ખંભાળિયામાં પ્રથમ વખત વાસણની રંગોળીની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમોમાં પાણીપુરી હરિફાઈમાં નીતલબેન પાબારીએ પ્રથમ ક્રમ જ્યારે ધરાબેન કાનાબાર અને પૂજાબેન દાસાણી અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયા હતા.

વાસણની રંગોળીમાં બહેનો દ્વારા થાળી, ચમચી, ડીશ, વાટકી, જગ, ગ્લાસ, ચમચા, વિગેરેનો ઉપયોગ કરીને ગણપતિ, સાથીયો, સાયકલ બનાવવામાં આવ્યા હતા. વાસણની આ રંગોળી હરીફાઈમાં પૂનમબેન જટણીયા, ભાવનાબેન દાવડા, બંશીબેન મમતોરા અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં વિજેતાઓ તેમજ દરેક સ્પર્ધકને રઘુવંશી મહિલા મંડળ તરફથી રસોઈમાં ઉપયોગી વસ્તુઓ ભેટ આપવા આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન બ્રિંદાબેન બરછા અને દિપાબેન પોપટ સાથે રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ જેમિનીબેન યોગેશભાઈ
મોટાણી, વર્ષાબેન પંચમતિયા, મીરાબેન પંચમતિયા વિગેરેએ જહેમત ઊઠાવી હતી.