દ્વારકામાં રાહુલ ગાંધીના આગમનની તડામાર તૈયારી

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ હેલિપેડ અને ચિંતન શિબિર સ્થળનું નિરીક્ષણ કર્યું

(રિશી રૂપારેલિયા)દ્વારકા : આગામી તા.25થી 27 ફેબ્રુઆરી દરમિયાન દ્વારકા ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાનાર કોંગ્રેસની ચિંતન શિબિર માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ચકી છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સી.જે.ચાવડા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ હેલિપેડ અને ચિંતન શિબિર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આગામી તા.23,24 અને 25ના રોજ દ્વારકા આહીર સમાજની વાડી ખાતે આગામી વિધાનસભા ચૂંટણીઓ સંદર્ભે મહત્વની ચિંતન શિબિર યોજાનાર હોવાથી આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સી.જે.ચાવડા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના અગ્રણી કોંગ્રેસ આગેવાનોએ શિબિર સ્થળ એવા આહીર સમાજની વાડી તેમજ હેલિપેડની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

વધુમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ધારાસભ્ય સી. જે.ચાવડા, સિધ્ધાર્થ ભાઈ પટેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ઈન્દ્રરાજયગુરુ અને પ્રદેશના અન્ય આગેવાનોની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યાસીન ભાઈ ગજજન, દ્વારકા શહેર કોંગ્રેસ પ્રમુખ પરબતભાઇ લગારીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મુળુભાઇ કંડોરીયા, ભીખુભાઈ વારોતરીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા, પાલભાઈ આંબલીયા તથા કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ‌હાજર રહ્યા હતા.