દ્વારકાના દસ વિદ્યાર્થીઓ સોમનાથ સુધીનો દરિયો ખેડી ઇતિહાસ રચશે

રાજકોટની 6 યુવતીઓ અને 4 યુવાનો સાથે દ્વારકા એનડીએચ હાઇસ્કુલના 10 વિદ્યાર્થીઓ કાઇકીંગ કરશે

(રીશી રૂપારેલિયા)દ્વારકા : આવતીકાલે દ્વારકાથી સોમનાથ સુધી 215 કિલોમીટરનો દરિયો ખેડવાના અદમ્ય ઉત્સાહ ભરી સ્પોર્ટ્સ ઇવેન્ટમાં દ્વારકા એનડીએચ હાઇસ્કુલના 10 વિદ્યાર્થીઓ કાઇકીંગ કરી ઇતિહાસના સાક્ષી બનશે.

આવતીકાલે તા.20ફ્રેબુઆરીથી 5માર્ચ દરમિયાન રાજકોટ સ્વીમીંગ એસોસિએન, ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી, ક્રીડા ભારતી અને દ્વારકા નગર પાલિકાના સહયોગથી દરિયામાં તરતા – તરતા 20 યુવાનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ઇવેન્ટમાં દ્વારકા એનડીએચ હાઇસ્કુલના 10 તરવરિયા વિદ્યાર્થીઓ પણ જોડાનાર છે જેઓ દ્વારકાથી સોમનાથ દરિયાઇ માર્ગે પહોંચશે.

ઉલેખનીય છે કે છેલ્લા બે વર્ષથી દ્વારકા પાલિકાની આ સ્કૂલમાં ઓલમ્પિકમાં રમાતી રમતોમાની કાયકિંગ તરણનું કોચિંગ આગળ ધપાવવામાં આવ્યું છે. 20 યુવાનો સાથે દરિયામાં દસ રેસ્ક્યું બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે રાખવામાં આવશે. આ રોમાંચક અને સાહસપૂર્ણ કાર્યમાં સ્કુબા જાણતા સ્કુબા ડ્રાઇવરો પણ જોડાશે અને રસ્તામાં આવતા કાઠાઓ ઉપર લોકોને લોકજાગૃતિનો સંદેશ આપતા જશે. દરિયામાં દરિયાઇ જીવ સૃષ્ટિથી પરિચિત થવાની સાથે યુવાનોમાં નવુ સાહસ અને કૌશલ્ય વિકસે તેવા હેતુઓ સાથે આ અનોખું સાગર અભિયાન હાથ ધરાયું હોવાનું આયોજકો જણાવી રહ્યા છે.