ખંભાળિયાના પાદરમાં મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહને ગૌસેવકો પાલિકા કચેરીએ નાખી ગયા

પાલિકાની કામગીરી સામે ગૌસેવકોમાં રોષ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યુ થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં તેઓ આ સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહના નિકાલ માટે નગરપાલિકા તંત્રને જાણ કરાયા બાદ કોઇ કારણોસર પાલિકા દ્વારા મોડું થતા રોષે ભરાયેલા ગૌસેવકોએ આ આખલાના મૃતદેહને ટ્રેક્ટર મારફતે નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મુકી ગયાના બનાવે સ્થાનિક વર્તુળમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

ખંભાળિયાના રામનાથ મહાદેવ મંદિર નજીકના વાડી વિસ્તાર તરફ જતા એક વોંકડામાં ગઈકાલે એક ગૌવંશ (આખલો) અકસ્માતે પડી અને મૃત્યુ પામતા આ બાબતે પસાર થતા લોકો દ્વારા ગૌસેવકોને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગૌસેવક દેશુરભાઈ ધમા વિગેરે આ સ્થળે દોડી ગયા હતા અને આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરી, આખલાના મૃતદેહને કાઢવા માટે રજૂઆત કરી હતી. આ વિસ્તાર નગરપાલિકાની હદની બહાર હોવા છતાં પાલિકા તંત્રએ આ આખલાના મૃતદેહને બહાર કાઢી અને યોગ્ય કરવા માટે સેનેટરી ઇન્સ્પેકટર તથા સંબંધિત તંત્રને સૂચના આપી દેવામાં આવી હતી.

કોઈ કારણોસર તેઓને પહોંચવામાં મોડું થતાં ગૌસેવકોએ જેસીબીની મદદથી નંદીના મૃતદેહને નાલામાંથી કાઢી અને ટ્રેક્ટર મારફતે નગરપાલિકા પરિસરમાં નાખી ગયા હતા. રોષે ભરાયેલા ગૌસેવકોએ “હવે તો આ તમારા વિસ્તારમાં છે ને..”- તેમ કહેતાં પાલિકાના હોદ્દેદારો કર્મચારીઓમાં આ બાબત ટીકા પાત્ર બની હતી. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

બાદમાં આ મૃતદેહનો પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગૌસેવકો ગૌવંશની સેવા કરે છે. પરંતુ ગૌવંશના મૃતદેહને આ રીતે ફેંકી દેવાની બાબતે પાલિકા તંત્રમાં રોષની લાગણી વ્યાપી છે. અને એક તબક્કે પોલીસ ફરિયાદ સહિતની તજવીજ પણ કરવામાં આવી હતી. જ્યારે ગૌસેવકો દ્વારા પાલિકાની નીતી રીતીનો વિરોધ કરવામાં આવ્યો હતો.