ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે

પોલીસે રૂપિયા 2.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ રહેલી એક જી.જે. 10 બી.આર. 4261 નંબરની ઈક્કો મોટરકારને અટકાવી, એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા ભરતભાઈ ચાવડાની ચોક્કસ બાતમી પરથી હાથ ધરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં આ મોટરકારમાં છુપાવીને લઈ જવામાં આવતી 60 બોટલ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે રૂપિયા 24 હજારની કિંમતની 60 બોટલ વિદેશી દારૂ તેમજ રૂપિયા 1.75 લાખની ઈક્કો મોટરકાર ઉપરાંત રૂપિયા 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 2,09,500ના મુદ્દામાલ સાથે જામનગર ખાતે રહેતા ઈકકો કારના માલિક જય ધનવંતરાય વસા (ઉ.વ. 53) કારના ચાલક વિશાલ ગુણવંત ગોપીયાણી (ઉ.વ. 36) અને સાથે દારૂ લઈને જતા કેયુર નિતીનભાઈ સંઘવી (ઉ.વ. 25) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.

દારૂનો આ જથ્થો તેઓએ જામનગરમાં કિશાન ચોક ખાતે રહેતા ઉમેશ ઉર્ફે બાબુ નાખવા ભણશાળી નામના શખ્સ પાસેથી લીધો હોવાનું કબુલતા આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સપ્લાયર ઉમેશ ઉર્ફે બાબુ નાખવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.