ક્રાંતિવીર મુરૂભા માણેકના સ્ટેચ્યુ પ્રોજેક્ટ માટે બે લાખનું અનુદાન

ભીમપરા ગામના ક્ષત્રિય વાઘેર સમાજ જ્ઞાતિના અગ્રણી દ્વારા પૂર્વ ધારાસભ્યને ધનરાશિ અર્પણ કરાઈ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : અંગ્રેજોને હંફાવનાર ઓખામંડળના રાજવી ક્રાંતિવીર મુરૂભા બાપુભા માણેકના સ્ટેચ્યુ પ્રોજેક્ટમાં ભીમપરા ગામના ક્ષત્રિય વાઘેર સમાજ જ્ઞાતિના અગ્રણી દ્વારા રૂપિયા બે લાખની ધનરાશિ સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ જ્ઞાતિના પ્રમુખ અને લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય પબુભા વિરમભા માણેકને અર્પણ કરવામાં આવી હતી.

ઓખામંડળના રાજવી મુરૂભા બાપુભા માણેકની આગેવાની હેઠળ ઇ.સ. 1857 થી 1868 સુધી બહાદુરી પુર્વક સતત લડત આપી હતી. અંગ્રેજો સામે લડતા લડતા ક્રાંતિવીર મુરૂભા માણેક તેમના સાથીઓ સાથે પોરબંદરના બરડા વિસ્તારના વાચ્છોળા ગામે તા.7 મે 1868ના સંધ્યા કાળે વીરગતી પામ્યા હતાં.આવા ક્રાંતિવીર મુરૂભા માણેકની કાયમી યાદગીરી માટે સ્ટેચ્યુ મુકવા પ્રોજેક્ટ હાથ ધારવામાં આવ્યો હોય ભીમપરા ગામના ક્ષત્રિય વાઘેર સમાજ જ્ઞાતિના અગ્રણી હાજાભા પેથાભા માણેક અને હિંમતભા પુનાભા માણેક દ્વારા સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ જ્ઞાતિના પ્રમુખ અને લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય પબુભા વિરમભા માણેકને રૂપિયા બે લાખની ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી.