ખંભાળિયા પાલિકાના સફાઈ કામદારોના ઉપવાસ આંદોલનનો અંત

પાલિકાના સત્તાવાહકોની મધ્યસ્થીથી આંદોલન સમેટી લેતા સફાઈ કામદારો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કેટલાક મહિલા કામદારો દ્વારા તેઓને રોજમદાર તરીકે સમાવેશ કરવા સહિતની માંગણીઓ સંદર્ભે હાથ ધરવામાં આવેલા ઉપવાસ આંદોલનનો શનિવારે સાંજે અંત આવ્યો છે.

ખંભાળિયા નગરપાલિકા કચેરીના પટાંગણમાં વિવિધ માંગણીઓને આગળ ધરી નગરપાલિકાના કામદાર બહેનો દ્વારા ગત તારીખ 11 મી ફેબ્રુઆરીથી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રેલી તથા આવેદનપત્રના કાર્યક્રમો વચ્ચે પાલિકાના સત્તાવાહકો દ્વારા મધ્યસ્થી કરી, સમાધાનકારી વલણ દાખવી, કામદારોને આંદોલન સમેટી લેવા અપીલ કરવામાં આવી હતી.

આ દરમિયાન ગઈકાલે શનિવારે સાંજે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપ પ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય વિગેરેએ ઉપવાસી કામદારોની છાવણીની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને રોજમદાર તરીકે સમાવેશ કરાતા તેમજ નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર લાભો આપવા અંગેની કાર્યવાહી કરવા સહિતની ખાતરી આપવામાં આવતા આ ઉપવાસ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.

આ આંદોલનના સુખદ અંત માટે નગરપાલિકાના સદસ્ય ઈમ્તિયાઝ ખાન લોદીન, અમૃતબેન ઠાકર, હંસાબા જેઠવા, મુક્તાબેન નકુમ, રેખાબેન ખેતીયા, અરજણભાઈ ગાગીયા, મયુરભાઈ ધોરીયા, જયશ્રીબેન ધોરીયા, સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકાના પદાધિકારીઓ તથા સદસ્યોની સમજાવટથી સપ્તાહ બાદ આ આંદોલનનો અંત આવતા કામદારોએ રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દીધી હતી.