ખંભાળિયામાં રખડતા ઢોર માટે ચિંતિત ગૌ સેવકો માટે પાલિકા દ્વારા મદદ માટે તૈયારી

ગૌ સેવકોને સેવા માટે લાલ જાજમ પાથરી, પરંતુ નિરસ પ્રતિસાદ

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોર નગરજનો માટે શિરદર્દ સમાન બની રહ્યા છે. અવારનવાર જાહેરમાં ખેલાતા આખલાયુદ્ધનો શિકાર અનેક લોકો બની ચૂક્યા છે, જેમાં વાહનોનો સોથ પણ વળી જાય છે. ખંભાળિયા પંથકના ગૌ સેવકોએ ખાસ કરીને ગૌવંશ તથા રસ્તે રખડતા ઢોરની ચિંતા કરી, અગાઉ એકાવન ગૌસેવકોએ આત્મહત્યા કરવાની તૈયારી બતાવી હતી. જે સંદર્ભે ભાજપના નેતાઓ દ્વારા ગૌશાળા સહિતના મુદ્દે પ્રાધાન્ય આપી, આ માટે તાકીદે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. જેના અનુસંધાને જિલ્લા તંત્રને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર આ પ્રક્રિયા અટકી જવા પામી હતી.

આ વચ્ચે ગૌ સેવકો, પાંજરાપોળના સંચાલકો, ગૌ શાળાના સંચાલકો સાથે નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારોની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં નગરપાલિકા તંત્રએ અહીંના પોરબંદર રોડ ઉપર આવેલી ચાર રસ્તા ગૌ સેવા સમિતિની જગ્યામાં હંગામી ગૌશાળા શરૂ કરવા તથા ત્યાં સુધી ઢોરને પહોંચતા કરવા, તેમના ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા કરવા તેમજ જરૂર પડ્યે કર્મચારીઓ અને ઢોર પકડવાના વાહન ફાળવવા ઉપરાંત ડોક્ટર અને અન્ય સ્ટાફની વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

ગૌ સેવકો સમક્ષ પાલિકા તંત્રએ આ લાલ જાજમ સમાન ઓફરની તૈયારી બતાવવા છતાં પણ આ માટે જરૂરી સહકાર આપવા કોઈ આગળ આવ્યું નહોતું. જે મુદ્દો શહેરમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે. જો કે નગરપાલિકા તંત્રએ આ બધી સગવડતા સાથે ગૌ ભક્તોને હકારાત્મક અભિગમ દાખવવા અપીલ પણ કરી છે.