દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણ અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનને ધ્યાને લેતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટએ તા. 25 સુધી કેટલીક સૂચનાઓની ચૂસ્ત પણે અમલવારી કરવા એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં – ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ 75 ટકા વ્યક્તિઓ જ્યારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકાની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે અને લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે નહીં.

તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજીયાત રહેશે. તેમજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સુચવવામાં આવેલી કોરોનાની માર્ગદર્શિકાનો અમલ કરવાનો રહેશે.

આ ઉપરાંત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જિલ્લાના કેટલાક ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારોને આગામી તારીખ 17 એપ્રિલ સુધી રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 123 ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારો પૈકી 72 વિસ્તારોને રેડ ઝોન અને 51 વિસ્તારોને યલો ઝોન જાહેર કર્યા છે.