ખંભાળિયાની પરિણીતાને મરી જવા મજબૂર કરનાર પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ

આપઘાતનો બનાવ કુદરતી મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવા અંગે પિતાની રાવ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે પરિણીતા એવી એક યુવતી આઠેક માસ પહેલા અવસાન થતાં આ સંદર્ભે પોતાની પુત્રીને અમાનુષી સિતમ ગુજારી, દહેજભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી તેણીએ ગળાફાંસો ખાઇ લીધો હોવાની ધોરણસર ફરિયાદ મૃતકના પિતાએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોરી ગામના રહીશ અજમલસિંહ બાબુસિંહ ડાભી (ઉ.વ. 58)ની પુત્રી ઊર્મિલાબાના લગ્ન આજથી આશરે ચાર વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે રહેતા વિક્રમસિંહ નવલસિંહ રાઠોડ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ આશરે એક વર્ષનો પુત્ર રુદ્રપાલસિંહ છે.

ઉર્મિલાબાને તેણીના પત્ની પતિ વિક્રમસિંહ નવલસિંહ રાઠોડ, સસરા નવલસિંહ મેરૂસિંહ રાઠોડ તથા સાસુ ગીતાબા નવલસિંહ રાઠોડ દ્વારા દહેજ બાબતે માર મારી, અવારનવાર શારિરીક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. સાસરિયાઓ દ્વારા કરવામાં આવતી મારઝૂડથી કંટાળીને તેણી મરી જવા માટે મજબુર બની હોવાથી તારીખ 17 જૂન 2021 ના રોજ તેણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવા અંગે મૃતક પરિણીતાના પિતા અજમલસિંહ ડાભીએ વાડીનાર મરીન પોલીસ મથકમાં ગઈકાલે વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.

આ વચ્ચે વધુમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તારીખ 17 જૂનના રોજ ઉર્મિલાબાને ખેંચ (આંચકી) આવવાથી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હોવા અંગેની જાહેરાત મૃતકના સાસરિયાઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ખરું કારણ સાસરિયાઓના ત્રાસથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવા અંગેનું ઉપરોક્ત પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે વાડીનાર મરીન પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી કલમ 306, 498 (એ), 114 તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.