દેવભૂમી દ્વારકામાં સીમકાર્ડ લે-વેચ રજીસ્ટર નિભાવવું ફરજિયાત

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લો ભારતની સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ અને મોટા ઔદ્યોગિક એકમો સાથે વાયરલ ઇન્સ્ટોલેશન સેન્‍ટરો આવેલા હોવાથી અહીં મોટી સંખ્‍યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે આવે છે. તેઓ બોગસ દસ્‍તાવેજ રજુ કરી સીમકાર્ડની ખરીદી કરતા હોય છે. ઘણીવાર ગુનાહિત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્‍ટ્ર વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે તેમજ લોકોને લાલચ- પ્રલોભન આપી પૈસા પડાવતા હોય છે. મહિલાઓની જાતીય સતામણી પણ કરતા હોય છે. આ પ્રવૃતિને અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ એક જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી, ડીસ્‍ટ્રીબ્‍યુટર અને સીમકાર્ડ વીક્રેતાઓ માટે જારી કેટલાક આદેશો અન્વયે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્‍યકિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મ સુવાચ્‍ય અક્ષરે ભરવાનું રહેશે. ફોર્મમાં કરેલી દરેક સહિની નીચે સહી કરનારના સ્‍વહસ્‍તાક્ષરમાં સુવાચ્‍ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્‍યારબાદ જ સીમકાર્ડ વેચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્‍ટર નિભાવવાનું રહેશે.

ડીપાર્ટમેન્‍ટ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્‍ત પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઇલ ઓપરેટરો કે સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજુ કરેલા આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે સાથે કસ્‍ટમર એકવીઝીશન ફોર્મમાં સ્‍થળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે. ટેલિફોન બુથધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્‍યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્‍યકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતનું રજીસ્‍ટર નિભાવવાનું રહેશે.

ઉપરોકત બાબતે નિભાવેલા રેકર્ડ (રજીસ્‍ટર)સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે. આ જાહેરનામું તા. 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.