દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર: ચૂંટણી પૂર્વે પક્ષમાં આંતરિક ચિંતન અનિવાર્ય

કરવા ખાતર કરાતા કાર્યક્રમો તથા કેટલાક કાર્યકરોની કથિત નિષ્ક્રિયતા અંગે બુસ્ટર ડોઝ જરૂરી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતના જુદા જુદા રાજ્યમાં છેલ્લા દિવસો દરમિયાન સ્થાનિક વિધાનસભાની ચૂંટણીઓ મહદ્ અંશે સંપન્ન થઈ ગઈ છે. જયારે આ વર્ષના અંત ભાગમાં ગુજરાત રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીમાં ખાસ કરીને ભાજપ સામે ટક્કર આપવા માટે કોંગ્રેસ દ્વારા આવતીકાલે શુક્રવારથી વિધિવત રીતે દેવભૂમિ દ્વારકા ખાતેથી દ્વારકાધીશના સાનિધ્યમાં ચૂંટણી પ્રચાર તથા અંગેની શિબિર મારફતે રણશીંગુ ફૂંકવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે તારીખ 25 થી 27 મી સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિદીવસીય પ્રદેશ સ્તરીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહી અને સંબોધન કરશે.

આ શિબિર અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના તથા રાજ્ય કક્ષાના કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેનાર છે. કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરથી પ્રારંભ કરવામાં આવનાર અને ચૂંટણીલક્ષી મનાતી આ કામગીરી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ હાલ મૂર્છિત અવસ્થામાં હોય તેવો ભાસ લોકો કરી રહ્યા છે. મોંઘવારી, પેપર લીક કૌભાંડ સહિતના સ્થાનિક પ્રજાના પ્રશ્નો જેવા કે જર્જરિત રસ્તા, કૌભાંડોના મુદ્દે સ્થાનિક કોંગ્રેસમાં ખાસ કોઈ સળવળાટ જોવા મળ્યો નથી. પાર્ટીના આદેશ મુજબ ક્યારેક હાથ ધરવામાં આવતા વિરોધ કે આવેદનપત્રના કાર્યક્રમમાં ગણ્યાગાંઠ્યા કાર્યકરો જ જોવા મળે છે. એટલું જ નહીં, પ્રજાના પડખે રહેવાના બદલે અહિંના કાર્યકરો સોશિયલ મીડિયામાં પણ પર્યાપ્ત પ્રમાણમાં પ્રસિદ્ધિ મેળવી શકતા નથી.

આ પરિસ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ઘટતા જતા વર્ચસ્વ સંદર્ભે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ખાસ મનન- ચિંતન કરી અને આ શિબિરમાં સ્થાનિક કાર્યકરોને જાગૃત અને સક્રિય રહેવા માટે જરૂરી સલાહ-સૂચન કે બુસ્ટર ડોઝ આપે તે બાબત કોંગ્રેસના હિતમાં છે.

હાલ જિલ્લાના કોંગ્રેસના હોદેદારો- કાર્યકરોમાં પણ સંકલન કે સંપૂર્ણપણે મનમેળનો અભાવ છે. જેનો લાભ અન્ય પાર્ટીને મળે તે પહેલા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ દ્વારા આ મુદ્દે પણ ચિંતન કરવું અનિવાર્ય ગણવામાં આવે છે.