ખંભાળિયાના વીજ કર્મીઓને બિભત્સ ગાળો કાઢી મારી નાખવાની ધમકી

ફરજમાં રૂકાવટ સબબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા એક આસામીના ચડત વીજ બિલ સંદર્ભે વીજળીનું કનેક્શન દૂર કરવા ગયેલા સ્ટાફને ધોકા બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરજમાં રૂકાવટ કરવા સબબ ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને પીજીવીસીએલમાં અહીંના વડત્રા સબ ડિવિઝનમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મિલનભાઈ જોશી નામના 28 વર્ષીય વિજ કર્મચારીએ ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા વિનોદ લખુભાઈ કણજારીયા, મનસુખ હેમતભાઈ કણજારીયા અને હરીશ હેમતભાઈ કણજારીયા સામે ફરિયાદ નોંધાવી છે.

આ પ્રકરણ અંગેની પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા સબ ડિવિઝન હેઠળ વિજ લાઇનમાં ફોલ્ટ રીપેરીંગ સહિતની જરૂરી કામગીરી સંભાળતા મયુરભાઈ જોશી તથા તેમની સાથે સ્ટાફના ચિંતનભાઈ પરીખ દ્વારા વડત્રા ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર એસ.વાય. પઠાણની સુચના મુજબ આ વિસ્તારના ડીસકનેક્શન ડ્રાઈવની કામગીરી અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે તેઓ ગઈકાલે ગુરૂવારે ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે પહોંચ્યા હતા.

આ ગામના ભીમા લીરાભાઈ કણજારીયા નામના આસામીનું 81,066 રૂપિયાનું વીજ બિલ બાકી હોવાથી તેઓને મળેલી સૂચના મુજબ ભીમાભાઈના ઘરે પહોંચ્યા હતા. તેમના ઘરે કોઈ નહોતું અને વીજ બિલની બાકી રકમ હોવાથી ડ્રાઈવમાં ગયેલા કર્મચારીઓએ તેમનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું.

આ કામગીરી દરમિયાન વિનોદ લખુભાઈ અને મનસુખ હેમતભાઈ નામના બે શખ્સો ધસી આવ્યા હતા અને કર્મચારી મયુરભાઈ તથા ચિંતનભાઈ સાથે બોલાચાલી કરી હતી. એટલી વારમાં છકડા રીક્ષામાં આવેલા હરીશ હેમત કણજારીયા નામનો શખ્સ પણ અહીં આવ્યો હતો. તેઓ માથાકૂટ કરી અને ઉશ્કેરાઈ ગયા હતા અને “ફરીથી જોડાણ કરી આપો નહિતર ધોકા વડે માર મારીશું. આજે અહીંથી તમને પાછા જવા નહીં દઈએ”- તેમ કહી, બિભત્સ ગાળો કાઢતાં વચ્ચે રહેલા પોલીસ કર્મી તથા લોકોએ તેઓને છોડાવ્યા હતા.

આરોપી શખ્સોએ જતા-જતા જો તેઓ ફરીથી પાછા ગામમાં પગ મૂકશે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મયુરભાઈ જોષીની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે ફરજમાં રૂકાવટની કલમ 186, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આ શખ્સોની અટકાયત કરી લીધી હતી.