દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ભવન ખાતે કાયદાકીય માર્ગદર્શન શિબિર યોજાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા સ્થિત જિલ્લા પોલીસ ભવનના સભાખંડ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ તથા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જોગવાઈઓ તથા કલમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મદદનીશ સરકારી વકિલ સુમિત્રાબેન વસાવા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ તથા કાયદાના ઈતિહાસથી લઈ જજમેન્ટ સુધીની કાયદાની સફર વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે સમગ્ર દેશમાં મહિલાઓ વિરૂદ્ધ થતા જાતીય ગુનાઓના આંકડાઓ રજૂ કરી જો કોઈ પણ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે કયા પ્રકારે પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ સાથે મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશકુમાર ભાભીએ જિલ્લામાં કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી પુરી પાડી હતી.

દહેજ પ્રતિબંધક અધિકારી પ્રફુલ જાદવએ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ કાયદા તથા આંતરિક અને સ્થાનિક સમિતિ વિશે ઉપસ્થિતોને માહિતગાર કરી મહિલા અને બાળ અધિકારીની કચેરી ભોગ બનનારી મહિલાઓને કેવી રીતે મદદરૂપ બની રહે છે તે અંગે સમજણ આપી હતી.

આ શિબિરમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી, મદદનીશ પોલીસ અધિક્ષક નિધિ ઠાકુર, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી તથા અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.