યુદ્ધના બીજા દિવસે ચેર્નોબિલ પરમાણુ મથક કબ્જે કરવા રશિયાનો પ્રયાસ

રશિયનો મને ખતમ કરી દેવા માગે છે: યુક્રેનના રાષ્ટ્રપતિ

દ્વારકા : યુક્રેનમાં રશિયાના આક્રમણના બીજા દિવસે રશિયન સેના દ્વારા યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ મથક કબ્જે કરવા પ્રયાસ કરાયો હોવાનું યુક્રેન દ્વારા સતાવાર જાહેર કરાયું છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિએ સાફ સાફ શબ્દોમાં કહ્યું હતું કે રશિયા તેમને અને તેમના પરિવારને ખતમ કરવા માંગે છે.

યુક્રેનમાં રશિયાની સૈન્યકાર્યવાહીમાં પ્રથમ દિવસે ઍરફીલ્ડને નિશાન બનાવાયા બાદ યુક્રેનમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
યુક્રેનમાં અનેક જગ્યાએ રશિયાની સૈન્યકાર્યવાહીમાં કેટલાક નાગરિકોનાં પણ મોત થયાં હોવાનું યુક્રેન દ્વારા જાહેર કરાયુ છે.

બીબીસીના અહેવાલોમાં જણાવ્યા મુજબ યુક્રેનની રાજધાની કિવ ઉપર રશિયા દ્વારા હુમલા કરવામાં આવતા ભયનો માહોલ છે અને લોકો કિવ શહેર છોડીને ભાગી રહ્યા છે.

આ ઉપરાંત રશિયાએ ચેર્નોબિલ પરમાણુ મથકને કબજે કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું યુક્રેનના રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું દરમિયાન
રશિયાના આક્રમણને ‘હુમલો’ ગણવાનો ચીન દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા તેમને ખતમ કરી દેવા માગે છે. એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, રશિયા યુક્રેનના પ્રમુખને ખતમ કરીને રાજનૈતિક રૂપે નષ્ટ કરવા માગે છે. દુશ્મનોના નિશાના પર સૌથી પહેલા હું છું અને બીજા નંબરે મારો પરિવાર છે.આ સાથે જ આજે શુક્રવારે વહેલી સવારે રશિયાએ યુક્રેન રાજધાની ઉપર હુમલા કર્યા હોવાની વાતની પણ પુષ્ટિ કરી હતી.