દ્વારકામાં કોંગ્રેસની ચિંતનશિબિરમાં રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીઓમાં વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો પણ કર્યા : ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા

દ્વારકા : પવિત્રનગરી દ્વારકામાં કોંગ્રેસની ચિંતનશિબિરમાં ભાગ લેવા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ પૂજન-અર્ચન અને દર્શનનો લાભ પણ લીધો હતો. ત્યારબાદ ચિંતનશિબિરમાં આગામી ચૂંટણીઓમાં વિજયનો આશાવાદ વ્યક્ત કરી દિલ્હી જવા રવાના થયા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે હવાઈ માર્ગે દ્વારકામાં રૂક્ષ્મણી હેલિપેડ ખાતે ઉતરાણ કરી સીધા જગતમંદિર પહોંચ્યા હતા. બપોરે કાળિયા ઠાકોરના દર્શન કરવા આવેલા રાહુલ ગાંધીનું સ્વાગત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ કર્યા બાદ પોરબંદરની મેરની રાસ મંડળીએ રાસ રમતા રમતા તેમનું સ્વાગત કર્યું હતું. અને જગતમંદિરમાં રાહુલ ગાંધી ધ્વજાજી માથે લઈ પહોંચ્યા બાદ ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું.

ત્યારબાદ ચુસ્ત સુરક્ષા સાથે તેઓ દ્વારકાના આહીર સમાજ ખાતે ચિંતનશિબિરમાં પહોંચ્યા હતા. જ્યાં પ્રવચન આપી આગામી ચૂંટણીઓમાં 125થી વધુ બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. અંતે બપોર બાદ રાહુલ ગાંધી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. આ વેળાએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર, ખેડૂતનેતા પાલભાઈ આંબલીયા સહિત કાફલો સાથે રહ્યો હતો.