ખંભાળિયામાં શિવરાત્રી પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા શિવ મંદિરોમાં સફાઇ અભિયાનનો પ્રારંભ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : આગામી સપ્તાહમાં શિવરાત્રી પર્વનો પ્રારંભ થનાર છે. ત્યારે આ પ્રસંગે ખંભાળિયા નગરપાલિકા દ્વારા ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરોમાં સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 1 માર્ચના રોજ શિવરાત્રીનું મહાપર્વ હોવાથી આના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના સુખનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, સલાયા ગેઈટ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિગેરે શિવ મંદિરોમાં વ્યવસ્થિત રીતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ કાર્યવાહી હજુ પણ ચાલુ રાખવામાં આવશે અને દરરોજ બે શિવ મંદિરોમાં જરૂરી સફાઈ અંગેની કામગીરી કરવામાં આવશે.

આ માટે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પદાધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢા તથા સ્ટાફ દ્વારા સફાઈ કામદારોની ટીમ બનાવી અને જુદા જુદા મંદિરોમાં સફાઈ મારફતે સ્વચ્છતા કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

શિવરાત્રિ પહેલા શિવ મંદિરો તથા નજીકના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ સફાઈ કામગીરી શિવભક્તોમાં આવકારદાયક બની રહી છે.