દ્વારકાના દુષ્કર્મના આરોપીને સાત વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતી અદાલત

દસ વર્ષ પૂર્વેના ગુનામાં એડી. સેશન્સ કોર્ટનો ચુકાદો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દ્વારકા તાલુકામાં એક યુવતી પર આ જ વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ શખ્સે દુષ્કર્મ ગુજારી, ગર્ભવતી બનાવી દેતા આ અંગેનો કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ અદાલતે આરોપીને સાત વર્ષની સખત કેદ તથા રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર કેસની વિગત મુજબ દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે રહેતા સૈયદ મામદ ઈશા સમા નામના શખ્સે આ જ વિસ્તારમાં રહેતી એક યુવતી પર આજથી આશરે દસેક વર્ષ પૂર્વે તેણીના ઘરે એકલતાનો લાભ લઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલું જ નહી, આરોપી શખ્સે યુવતીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવા અંગેની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાઇ હતી.

ભોગ બનનાર યુવતીની તબિયત બગડતા મેડિકલ તપાસણીમાં તેણી ગર્ભવતી હોવાનું તેમના પરિવારના ધ્યાને આવ્યું હતું. આથી મીઠાપુર પોલીસ મથકમાં આરોપી સૈયદ મામદ ઈશા સામે જે-તે સમયે આઈ.પીસી. કલમ 376 તથા 506(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પ્રકરણ અંગે જરૂરી મેડિકલ તપાસણી રિપોર્ટ તથા જુદા-જુદા સાક્ષીઓની જુબાની રજુ કરી સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા એડિશનલ સેશન્સ અદાલતમાં આરોપી વિરુદ્ધ વિવિધ દલીલો રજૂ કરી હતી. આ દલીલોને ધ્યાને લઇ નામદાર અદાલતે આરોપી સૈયદ મામદ ઈસાને તકસીરવાન ઠેરવી દુષ્કર્મની કલમ અંતર્ગત સાત વર્ષની સખત કેદ તથા રૂ. દસ હજારનો દંડ તેમજ મારી નાખવાની ધમકીની કલમ 506 (2) અંતર્ગત બે વર્ષની સખત કેદ ફટકારતો હુકમ કર્યો છે.