ખંભાળિયામાં ભૂલી પડેલી બાળાનું પરિવાર સાથે મિલન કરાવતા ટ્રાફિકના જવાનો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ ટ્રાફિક અંગેની ચાલી રહેલી કામગીરી અંતર્ગત આ વિસ્તારમાં એકલી અટુલી ઊભેલી આશરે ત્રણ વર્ષની બાળા ટ્રાફિક પોલીસના ધ્યાને આવી હતી. એકલવાયી અને રડતી એવી આ બાળાને ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ સૂર્યદાનભાઈ સંધીયા તથા વિજયભાઈ લાંગા દ્વારા કાળજીપૂર્વક સાથે લઈ અને તેમને નાસ્તા વિગેરે આપીને શાંત કર્યા બાદ પ્રેમપૂર્વક પરિવાર અને માતા-પિતા બાબત પૂછપરછ કરી હતી. તદ્દન કાલી-ઘેલી ભાષામાં તેણીએ થોડી માહિતી આપતા આખરે ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા તેમની સૂઝબૂઝ મારફતે ચાર રસ્તા આસપાસના વિસ્તારોમાં ટીમ બનાવી અને આ બાળકના માતા-પિતાની શોધખોળ આદરી હતી.

જે અંતર્ગત આ બાળા થોડે દૂર નવાનાકા વિસ્તારમાં રહેતા રવિભાઈ લાલજીભાઈ ડોરુની પુત્રી હોવાનું ધ્યાને આવતા તેઓએ તેમના પિતાને તાત્કાલિક બોલાવી અને ખરાઈ કર્યા બાદ આ બાળકીનો કબજો તેના પિતાને સોંપ્યો હતો. ટ્રાફિક પી.એસ.આઈ. તથા ટ્રાફિક પોલીસની આ કામગીરીએ બાળકીના પરિવારોમાં રાહત પ્રસરી હતી. સાથે પોલીસની આભારની લાગણી વ્યક્ત કરી હતી.