ખંભાળિયામાં શિવરાત્રી પર્વે સદી જૂની ખામનાથ મહાદેવની વરણાંગી નીકળશે

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવાધિદેવ મહાદેવજીના મહાપર્વ શિવરાત્રી નિમિત્તે ખંભાળિયા પંથકમાં શિવભક્તો દ્વારા દર વર્ષે યોજાતી ભગવાન ખામનાથ મહાદેવની શોભાયાત્રા આવતીકાલે શહેરમાં જુદાજુદા માર્ગો પર નીકળશે.

ખંભાળિયા શહેરમાં સ્થિત પુરાણપ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવની આશરે એકસો વર્ષથી પણ વધુ સમયથી નીકળતી વરણાંગી આવતીકાલે શિવરાત્રી પ્રસંગે પણ ભક્તિ ભાવપૂર્વક નીકળશે. ખામનાથ મહાદેવની આ શોભાયાત્રા અત્રે વિજય સ્કૂલ પાસે આવેલી રંગ મહોલ શાળા પાસેથી પ્રસ્થાન કરશે. આશરે 200 કિલો વજનની ચાંદીની શંકર, પાર્વતી તથા ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં સાજશણગાર સાથે આ વરણાંગી શહેરના જુદા જુદા સ્થળોએથી પસાર થઇ, ખામનાથ મહાદેવના મંદિરે પૂર્ણ થશે.

માત્ર ભૂદેવો ધોતી અને પીતાંબર સાથે ખુલ્લા પગે આ વરણાંગી ઉપાડે છે. ખંભાળિયાની આ શિવ વરણાંગી વિશિષ્ટ છે. બસો કિલોગ્રામ ચાંદીની પ્રતિમા તથા ચાંદીની પાલખી સાથે આ વરણાંગી માત્ર બ્રાહ્મણો જ ઉપાડી શકે છે, તે પણ ધોતી કે પીતાંબર પહેરેલાં તેમજ ઉઘાડા પગ સાથે ભૂદેવ આ વરણાંગી લઈને નીકળે છે. જે જુદા જુદા વિસ્તારોમાં થઇ અને કલાકો સુધી ચાલ્યા બાદ ખામનાથ મહાદેવ મંદિરે સંપન્ન થાય છે.

આ શિવ વરણાંગી આગળ ઢોલ, નગારા અને નોબત સાથે ભજન તથા બ્યુગલો સાથે ભક્તો જોડાય છે. વરણાંગીનું ઠેરઠેર નગરજનો દ્વારા સ્વાગત તથા પૂજન કરવામાં આવે છે. આ શોભાયાત્રાના અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.

આ શોભાયાત્રા અગાઉ બ્રહ્મ અગ્રણીઓ સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્ય, સ્વ. વિશ્વનાથ જોશી, એડવોકેટ સ્વ. એલ.સી. જોશી, કે.સી. જોશી વિગેરે વર્ષો સુધી નિયમિત રીતે જોડાતા હતા.

હાલ બ્રહ્મ સમાજ સહિત વિવિધ જ્ઞાતિના યુવાનો તથા આગેવાનો ઉપરાંત ખામનાથ મહાદેવના ટ્રસ્ટીઓ ડો. મનુભાઈ જોશી, મથુરભાઈ જોશી, હેમતભાઈ ધ્રુવ, મનુઅદા સોમૈયા સહિતના ટ્રસ્ટીઓ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો, યુવાનો આસ્થાભેર જોડાય છે. આવતીકાલે શિવરાત્રી નિમિત્તે પણ આ પારંપરિક શિવ શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાના રૂટને શણગારી, ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે.